હિન્દુ સમુદાયના આક્રોશ બાદ ગણેશજીની તસવીર સાથેના લેગીંગ્સ વેચાણમાંથી હટાવાયા

Wednesday 08th January 2020 01:48 EST
 
 

લંડનઃ ગ્લોબલ ઓનલાઈન રિટેઈલ ક્લોથીંગ કંપની બ્રિટિશ લેગીંગ્સે ભગવાન ગણેશની તસવીર સાથેના લેગીંગ્સને હિંદુઓએ દર્શાવેલા ઉગ્ર વિરોધના ૨૪ કલાકમાં જ વેચાણમાંથી હટાવી લીધા હતા. હિંદુઓએ આ લેગીંગ્સને ‘ખૂબ અયોગ્ય’ ગણાવ્યા હતા. અગાઉ britishleggings.co.uk પર ‘ગણેશ લેગીંગ્સ’ વેચાતા હતા. એક લેગીંગ્સની કિંમત ૧૫ પાઉન્ડ હતી. જોકે, લંડનમાં મુખ્યમથક ધરાવતી કંપનીની વેબસાઈટ પર ઓનલાઈન સર્ચ કરાતા સાઈટ પર “Sorry, there are no posts to display” દર્શાવાયું હતું.

યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઈઝમના પ્રેસિડેન્ટ રાજન ઝેડે અમેરિકાના નેવાડામાં જારી નિવેદનમાં હિંદુ સમાજની ચિંતાને સમજવા બદલ બ્રિટિશ લેગીંગ્સનો આભાર માન્યો હતો. લોકોનું માનવું હતું કે આવી પ્રોડક્ટ પર ભગવાન ગણેશની તસવીર મૂકી શકાય નહિ. હિંદુ રાજનેતા ઝેડે જણાવ્યું હતું કે તેઓ બ્રિટિશ લેગીંગ્સના સીઈઓ હિંદુ સમાજની વિધિવત માફી માગે તેની પ્રતીક્ષા કરે છે. તેમણે સૂચન કર્યું હતું કે બ્રિટિશ લેગીંગ્સ અને અન્ય કંપનીઓએ તેમના સિનિયર એક્ઝિક્યુટિવ્સને ધાર્મિક અને સાંસ્કૃતિક સંવેદનશીલતાની તાલીમ લેવા મોકલવા જોઈએ જેથી તેઓ નવી પ્રોડક્ટ માર્કેટમાં મૂકતા પહેલા અથવા એડ કેમ્પેઈન શરૂ કરતા પહેલા ગ્રાહકો અને સમુદાયોની લાગણીઓ સમજી શકે.

ઝેડે ઉમેર્યું હતું કે હિંદુ ધર્મમાં ભગવાન ગણેશજી ખૂબ પૂજનીય છે અને તે મંદિરો તેમજ ઘરમાં પૂજાય છે. તેઓ કોઈના પગની શોભા વધારવા માટે નથી. કોમર્શિયલ અથવા અન્ય હેતુસર હિંદુ દેવી-દેવતાઓનો અથવા તેમના પ્રતીકોનો અયોગ્ય ઉપયોગ કરવાનું ઉચિત નથી કારણ કે તેનાથી શ્રદ્ધાળુઓની લાગણી દુભાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter