લંડનઃ ભારતની એર ઇન્ડિયાને યુકેની સૌથી વિલંબિત એરલાઇન જાહેર કરાઇ છે. 2024માં એર ઇન્ડિયાની ફ્લાઇટો સરેરાશ 46 મિનિટ વિલંબિત થઇ હતી. સૌથી વધુ 80 મિનિટનો સરેરાશ વિલંબ ગેટવિકથી બેંગાલુરુની ફ્લાઇટોમાં થયો હતો. વિચ મેગેઝિનના એડિટર રોરી બોલેન્ડે એર ઇન્ડિયાની કામગીરીને સંપુર્ણપણે અસ્વીકાર્ય ગણાવી હતી. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, અમારા નિયંત્રણમાં ન હોય તેવા પરિબળોના કારણે ફ્લાઇટો વિલંબિત થાય છે.
2024માં સૌથી સારી કામગીરી આઇરિશ કેરિયર એમરલ્ડ એરલાઇન્સની રહી હતી. તેની ફ્લાઇટોમાં સરેરાશ ફ્ક્ત 10 મિનિટ અને 30 સેકન્ડનો વિલંબ થયો હતો.
જાન્યુઆરી 2022માં ટાટા ગ્રુપે ભારત સરકાર પાસેથી એર ઇન્ડિયા હસ્તગત કરી હતી. એર ઇન્ડિયા બર્મિંગહામ, ગેટવિક અને હિથ્રો ખાતેથી ભારતના દિલ્હી, મુંબઇઅને બેંગાલુરુ સહિતાના સંખ્યાબંધ શહેરો માટે ફ્લાઇટ ઓપરેટ કરે છે.
વિલંબના મામલે સૌથી બદતર એરલાઇન્સ – 2024
એર ઇન્ડિયા – 45 મિનિટ 48 સેકન્ડ
ઔરિગ્ની – 31 મિનિટ 12 સેકન્ડ
સન એક્સપ્રેસ – 29 મિનિટ 36 સેકન્ડ
એર પોર્ટુગલ – 25 મિનિટ 12 સેકન્ડ
અમેરિકન એરલાઇન્સ – 25 મિનિટ 00 સેકન્ડ
ટીયુઆઇ – 24 મિનિટ 18 સેકન્ડ
વિઝ એરલાઇન્સ – 23 મિનિટ 48 સેકન્ડ
સ્વીસ એરલાઇન્સ – 21 મિનિટ 48 સેકન્ડ
એમિરાત – 21 મિનિટ 36 સેકન્ડ
1 જુલાઇથી ઇન્ડિગોની મુંબઇ-માન્ચેસ્ટર સીધી ફ્લાઇટનો પ્રારંભ
લો કોસ્ટ એરલાઇન્સ ઇન્ડિગો દ્વારા 1 જુલાઇથી મુંબઇ અને માન્ચેસ્ટર વચ્ચે સીધી ફ્લાઇટનો પ્રારંભ થઇ રહ્યો છે. આ ફ્લાઇટ સપ્તાહમાં 3 વાર ઓપરેટ થશે. આમ મુંબઇ અને માન્ચેસ્ટર વચ્ચે સીધી ફ્લાઇટ ઓફર કરનારી પહેલી એરલાઇન્સ ઇન્ડિગો બની રહી છે. ફ્લાઇટ ઓપરેશન બોઇંગ 787-900 ડ્રીમલાઇનર દ્વારા થશે.