લંડનઃ યુકેમાં વયોવૃદ્ધ ઈમિગ્રન્ટ મહિલાઓ તેમજ ભારતમાં જરૂરિયાતમંદ સ્ત્રીઓ અને બાળકો માટે અભૂતપૂર્વ સેવાને સન્માનિત કરવા સ્ટેનમોરના ૮૦ વર્ષીય નિવાસી વિલાસબહેન ધાનાણીને ક્વીન્સ બર્થેડે ઓનર્સ લિસ્ટમાં ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર- MBE ઈલકાબની નવાજેશ કરવામાં આવી છે. તેમણે નોર્થવેસ્ટ લંડન અને ભારતમાં હજારો વૃદ્ધ ઈમિગ્રન્ટ મહિલાઓની સેવામાં ૪૦ વર્ષ ખર્ચ્યા છે. આ ગાળામાં તેમણે ચેરિટી સંસ્થાઓ માટે ૪૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરી છે.
વિલાસબહેને જણાવ્યું હતું કે,‘MBE ની નવાજેશથી હું ભારે સન્માન અને ગૌરવની લાગણી અનુભવું છું. મેં કરેલાં કાર્ય અહીં સુધી પહોંચશે તેની મને કલ્પના પણ ન હતી. મેં હંમેશાં નિસહાય અને જરૂરિયાતમંદ સ્ત્રીઓ અને બાળકોની મદદ કરવા ઈચ્છી છે. આપણે કોઈ સારું કાર્ય કરી શકીએ તેનાથી જ સુખ અનુભવાય છે.’
વિલાસબહેન ૧૯૭૨માં કેન્યાથી યુકે આવ્યાં ત્યારે વૃદ્ધ એશિયન મહિલા ઈમિગ્રન્ટ્સની સમસ્યાઓથી વાકેફ થયાં હતાં. આ મહિલાઓ એકલી હતી, તેમને ઈંગ્લિશનું જ્ઞાન ન હતું. તેમણે આ મહિલાઓ માટે ગ્રૂપ્સ સ્થાપ્યાં, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અને સ્થાનિક કાઉન્સિલોની કામગીરીની સમજ આપી અંગ્રેજી શીખવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ ગ્રૂપ્સ ૧૯૭૪થી ‘શ્રાવિકા સત્સંગ મંડળ’ સંસ્થા નામે ઓળખાવા લાગ્યું હતું.


