લંડનઃ પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન આ વર્ષના પૂર્વાર્ધમાં તેમની ભારત મુલાકાતની સાથોસાથ હિમાલયન કિંગ્ડમ ભૂતાનની પણ પ્રથમ સત્તાવાર મુલાકાત લેશે. કેન્સિંગ્ટન પેલેસ દ્વારા જાહેર કરાયેલી મુલાકાત માર્ચના અંતથી જૂનની મધ્ય સુધીના કોઈ પણ સમયે યોજાશે. વિલિયમ અને કેટ ભૂતાનના રાજવી જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક અને ક્વીન જેતસૂન પેમ્માને મળશે. આ રાજવી દંપતીના લગ્ન ૨૦૧૧માં થયા હતા અને તેઓ વર્ષના પૂર્વાર્ધમાં જ પ્રથમ સંતાનના આગમનની રાહ જોઈ રહ્યા છે.
પ્રિન્સેસ શાર્લોટના જન્મ પહેલાના એક વર્ષ અને પછી પણ જાહેર કાર્યક્રમોમાં ઓછાં દેખાયેલાં ડચેસ ઓફ કેમ્બ્રિજ સંપૂર્ણ જાહેર સંપર્કમાં પરત થવાનો આ સંકેત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુકે પ્રવાસમાં બકિંગહામ પેલેસમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીયની મુલાકાત લીધા પછી ૧૩ નવેમબરે વિલિયમ અને કેટના ભારત પ્રવાસની જાહેરાત થઈ હતી. ૨૪ વર્ષ અગાઉ પ્રિન્સેસ ડાયના અને પ્રિન્સ ચાર્લ્સે ભારતની મુલાકાત લીધી હતી. શાહી દંપતી પ્રિન્સ જ્યોર્જ અને પ્રિન્સેસ શાર્લોટને ભૂતાન લઈ જાય તેવી શક્યતા ઓછી છે.
કેન્સિંગ્ટન પેલેસના નિવેદનમાં જણાવાયું હતું કે હર મેજેસ્ટીની સરકારની વિનંતીને માન આપી ડ્યુક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ ભૂતાનની સત્તાવાર મુલાકાત લેશે. શાહી દંપતીની આ દેશની પ્રથમ મુલાકાત જ છે. હિમાલયન કિંગ્ડમ ભૂતાનના ઈતિહાસ અને શિષ્ટાચાર પદ્ધતિ વિશે વિલિયમ અને કેટે ખાસ અભ્યાસ કરવાનો રહેશે. ભૂતાન વિદેશી પ્રભાવથી દૂર રહી સદીઓ સુધી વિશ્વપ્રવાહથી અલિપ્ત રહ્યું છે. અહીં તમાકુનું વેચાણ હજુ પ્રતિબંધિત છે.


