વિલિયમ અને કેટના રોયલ ફાઉન્ડેશનથી હેરી-મેગન અલગ

Wednesday 26th June 2019 03:02 EDT
 
 

લંડનઃ ‘ફેબ ફોર’ ડ્યૂક એન્ડ ડચેસ ઓફ સસેક્સ- હેરી અને મેગન તેમજ ડ્યૂક એન્ડ ડચેસ ઓફ કેમ્બ્રિજ- વિલિયમ અને કેટના સંબંધોમાં વધુ તિરાડ પડી છે. હેરી અને મેગન રોયલ ફાઉન્ડેશનમાંથી સત્તાવારપણે અલગ થયાં છે. હજુ ૧૮ મહિના પહેલા જ તેઓ રોયલ ફાઉન્ડેશન ચેરિટીમાં સાથે કામ કરવા લાગ્યાં હતાં. વિલિયમ અને કેટ મૂળ ચેરિટી સાથે સંકળાયેલાં રહેશે જેનું નવું નામકરણ કરાશે. રોયલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ સાથે વિલિયમ અને હેરીની બેઠક પછી અલગ થવા અંગે જાહેરાત કરાઈ હતી.

વિલિયમ અને હેરીએ ૨૦૦૯માં ચેરિટેબલ કાર્યો માટે રોયલ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. કેટ ૨૦૧૧માં લગ્ન પછી ડચેસ ઓફ કેમ્બ્રિજ બની ત્યારે અને મેગન મે ૨૦૧૮માં તેમાં જોડાઈ હતી. વિલિયમ, કેટ, હેરી અને મેગનના સંયુક્ત રોયલ ફાઉન્ડેશન ચેરિટી સાહસનો ઈરાદો ચાર હાઈ પ્રોફાઈલ શાહી સભ્યોના સ્ટાર પાવરનો ચેરિટી માટે ઉપયોગ કરવાનો હતો, જે માત્ર ૧૬થી ૧૮ મહિના જ ચાલ્યો હતો. ફાઉન્ડેશનથી અલગ થવાના ડ્યૂક એન્ડ ડચેસ ઓફ સસેક્સના પગલાને તેઓની જાહેર ફરજોના વિભાજનના પ્રથમ કદમ તરીકે જોવાય છે. છેલ્લાં કેટલાંક સમયથી બન્ને ભાઈઓ તથા તેમની પત્નીઓનાં સંબંધોમાં તિરાડ જોવામાં આવી છે. એમ કહેવાય છે કે મેગન અને હેરી ડચેસના વતન અમેરિકા અને હેરીને પ્રિય એવા આફ્રિકા સહિત વિદેશમાં કામ કરવા ચેરિટીની સ્થાપના કરશે. આફ્રિકામાં હેરીની સેન્ટેબેલ ચેરિટીનું મથક છે. તેમના ભાવિ ચેરિટી પ્રોજેક્ટ્સ ગ્લોબલ આઉટરીચ ધરાવનારા હશે.

જોકે, શાહી સૂત્રો તિરાડનો ઈનકાર કરતા જણાવે છે કે બંને દંપતીઓને તેમની ભાવિ ભૂમિકાઓ માટે તૈયાર કરાઈ રહ્યા છે, જેના માર્ગ અલગ હશે. વિલિયમ ભાવિ રાજા છે અને કેટ ભાવિ રાણી બનશે. બીજી તરફ, ગાદીના વારસદારોમાં હેરીનો ક્રમ છઠ્ઠો છે. બંને પરિવાર અલગ રહેવા ગયા છે. પોતાના સંતાન આર્ચીના જન્મ અગાઉ જ હેરી અને મેગન કેન્સિંગ્ટન પેલેસ છોડી વિન્ડસરમાં‘ ફ્રોગમોર કોટેજ ખાતે રહેવા ગયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter