વિલિયમ અને હેરી વચ્ચે ગુપ્ત બેઠકોમાં સધાયેલો મનમેળ

Thursday 23rd January 2020 11:19 EST
 
 

લંડનઃ પ્રિન્સ હેરી અને મેગન રાજવી ભૂમિકાઓ છોડી સ્વતંત્ર જીવન જીવવા કેનેડા અને યુકે વચ્ચે દોડાદોડ કરતા રહેવાના છે ત્યારે બે ભાઈઓ- પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીનો લગભગ મનમેળ થયો છે. હવે સાથે રહેવાનું નથી તે નિશ્ચિત થવાથી ‘આજે નહિ તો ક્યારેય નહિ’ તે સમજીને બન્ને ભાઈએ બે વર્ષના ઝગડા પછી સુલેહ કરી લીધી છે. ક્વીન સાથે પારિવારિક બેઠકથી અલગ હેરી અને વિલિયમ રુબરુ મળ્યા હતા અને આ બેઠક યોજવામાં મેગન અને કેટનો પણ સિંહફાળો રહ્યો છે. વિલિયમ સાથે સુલેહની બેઠક ભલે થઈ પરંતુ, પિતા પ્રિન્સ ચાર્લ્સ સાથે હેરીની આવી કોઈ બેઠક થઈ નથી.
પ્રિન્સ હેરી પત્ની મેગન અને બેબી આર્ચી સાથે જોડાવા કેનેડા રવાના થવાના છે ત્યારે મોટા ભાઈ ડ્યૂક ઓફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલિયમ સાથે તેમની ગુપ્ત સુલેહ બેઠક યોજાઈ હતી. બંને ભાઈઓ વચ્ચે ‘તને સાંભરે રે, મને કેમ વિસરે રે’ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને બે વર્ષના રિસામણાનું મનામણું થયું હતું.
સૂત્રોએ ‘ ધ સન’ અખબારને જણાવ્યા અનુસાર ક્વીન સાથે સત્તાવાર બેઠકથી અલગ બંને ભાઈઓએ પોતાના ભાવિ સંબંધો વિશે મોકળાશથી ચર્ચા કરી તેમના વચ્ચેના વિશિષ્ઠ બંધનને જાળવી લેવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. નોંધપાત્ર હકીકત એ છે કે આવી ઘણી બેઠકમાં કેનેડાસ્થિત મેગન અને કેટ પણ સામેલ થયાં હતાં જે, તેમના સંબંધોમાં ઉષ્માના પુનઃ આગમનનો સંકેત આપે છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે,‘હેરી હવે કેનેડામાં સ્થાયી થવાનો છે ત્યારે એ સમજાયું હતું હતું કે હવે સંબંધોને સ્થાયી કરવાનો અવસર વીતી જશે તો ક્યારેય પ્રશ્નો ઉકેલાશે નહિ.’
ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સે રાજવી જીવન અને ટાઈટલ્સ છોડી દીધા છે. તેમનો યુકે અને કેનેડામાં સ્થાયી થવાનો ટ્રાન્ઝીશન પીરિયડ શરૂ થઈ ગયો છે. ડચેસ તો ક્રિસમસના વેકેશનથી જ આર્ચી સાથે કોમનવેલ્થ રાષ્ટ્ર કેનેડામાં છે. બીજી તરફ, મોટા ભાઈ વિલિયમ સાથે મનમેળ થયો છે પરંતુ, પિતા પ્રિન્સ ચાર્લ્સ સાથે સંબંધોમાં હેરીને આવી કોઈ સફળતા મળી નથી. તેમની વચ્ચે વિશ્વાસનો અભાવ રહેવા સાથે સંબંધો પણ વધુ જટિલ છે. જોકે, હેરી અને મેગનને ભાવિ જીવનમાં નાણાકીય સહાય પૂરી પાડવામાં પ્રિન્સ ચાર્લ્સ આગળ આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter