લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી વિલિયમ હેગ ઓક્સફર્ડ યુનિવર્સિટીના નવા ચાન્સેલરપદે ચૂંટાઇ આવ્યા છે. આ હોદ્દો સદીઓથી ઘણો સન્માનિત ગણાય છે. વિલિયમ હેગ હવે ક્રિસ પેટનનું સ્થાન લેશે. હેગે પૂર્વ લેબર મિનિસ્ટર પીટર મેડલસન અને અન્ય 3 ઉમેદવારોને ચૂંટણીમાં પરાજિત કર્યા હતા.
યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, ફાઇનલ રાઉન્ડમાં વિલિયમ હેગને સૌથી વધુ મત પ્રાપ્ત થયાં હતાં. હવે તેઓ યુનિવર્સિટીના ઇતિહાસમાં 160મા ચાન્સેલર તરીકે નિયુક્ત કરાશે. ઓક્સફર્ડમાં છેલ્લા 800 વર્ષથી ચાન્સેલરની ચૂંટણી થતી આવી છે.
આ ચૂંટણીમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને પણ ઝંપલાવ્યું હતું પરંતુ તેમને ઉમેદવારી કરતા અટકાવી દેવાયા હતા. આ ઉપરાંત ઘણા ભારતીય મૂળના બ્રિટિશ પણ આ સ્પર્ધામાં સામેલ થયાં હતાં.


