વિલિયમને તિરાડ સંધાવાની આશા

Wednesday 24th February 2021 04:56 EST
 
 

લંડનઃ ડ્યૂક ઓફ કેમ્બ્રિજ, પ્રિન્સ વિલિયમને હજુ આશા છે કે શાહી ભૂમિકા-જીવનથી દૂર થયા બાદ બે ભાઈ વચ્ચેની તિરાડ સંધાશે. બકિંગહામ પેલેસે ગત સપ્તાહે સ્પષ્ટતા કરી છે કે સસેક્સ દંપતી કાયમી રીતે સત્તાવાર ફરજો છોડી રહ્યાં છે જેના પરિણામે, તેમના રોયલ પેટ્રોનેજીસનો અંત આવશે. આ નિવેદન પછી ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ અને બાકીના શાહી પરિવાર વચ્ચેના સંબંધો વધુ નાજુક બન્યા છે. સસેક્સ દંપતીના ટોક શો ક્વીન ઓપ્રાહ વિન્ફ્રે સાથે ૭ માર્ચે બ્રોડકાસ્ટ થનારા ઈન્ટર્વ્યૂનું રેકોર્ડિંગ પણ થઈ ગયું છે.

મેગન અને હેરીએ ક્વીનનો અનાદર-અપમાન કરતું સ્ટેટમેન્ટ જારી કર્યું તેનાથી પ્રિન્સ વિલિયમને પણ આઘાત લાગ્યો છે. શાહી સૂત્રો અનુસાર નાના ભાઈના વ્યવહારથી ક્ષુબ્ધ ડ્યૂક ઓફ કેમ્બ્રિજે હેરી અને મેગનનું નિવેદન ‘ક્વીનને અપમાનજનક અને ધૃષ્ટતાપૂર્ણ’ હોવાનું ગણાવ્યું છે. એક શાહી સૂત્રે જણાવ્યું હતું કે પ્રિન્સ વિલિયમનો પ્રત્યાઘાત આઘાતનો વધુ રહ્યો હતો. બીજી તરફ, પ્રિન્સ વિલિયમની નિકટના સૂત્રોએ જણાવ્યું હતું કે સત્તાવાર ફરજોનો મુદ્દો હવે વિવાદનું કેન્દ્ર રહ્યો ન હોવાથી બે ભાઈઓને તેમના સંબંધોની તિરાડને સાંધવામાં મદદ થશે. તાજેતરમાં બે ભાઈઓ વચ્ચેના સંબંધો સુધરી રહ્યા હતા. ગત થોડા મહિનાઓમાં તેમના વચ્ચે વધુ ચર્ચાઓ થતી હતી. તેઓ બંને સંબંધ સુધારવાના પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, વિન્ફ્રે સાથેના ઈન્ટર્વ્યૂમાં શું જાહેર કરાય છે તેના પર પણ સંબંધોનો આધાર રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter