લંડનઃ સેન્ટ્રલ લંડનમાં ચીનની નવી મેગા એમ્બેસીના નિર્માણનો માર્ગ મોકળો થયો છે. આ યોજના સામે રજૂ કરાયેલા કાનૂની પડકારને હાઇકોર્ટે ફગાવી દીધો છે. રોયલ મિન્ટ કોર્ટ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓના એક જૂથે પ્લાનિંગ પરમિશનનો વિરોધ કરતા દાવો કર્યો હતો કે સર કેર સ્ટાર્મર સરકારનો એમ્બેસીને મંજૂરીનો નિર્ણય પૂર્વ-નિર્ધારિત હતો. તેમની સરકારે ચીનમાં બ્રિટિશ એમ્બેસીની મંજૂરી મેળવવાના બદલામાં લંડનમાં ચીની એમ્બેસીને મંજૂરી આપી હતી.
ચુકાદા બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં રહેવાસીઓએ જણાવ્યું હતું કે તેઓ આ નિર્ણય સામે ઉપલી અદાલતમાં અપીલ કરશે. ઇન્ટર-પાર્લામેન્ટરી એલાયન્સ ઓન ચાઇનાના સ્થાપક લૂક ડી પલફોર્ડે જણાવ્યું કે, આ લડાઈ ચાલુ રહેશે અને અમારો ઉદ્દેશ્ય આ એમ્બેસીના નિર્માણને રોકવાનો છે.


