વિવિધ પ્રકારના બેનિફિટ્સમાં 6.7 ટકા અને સ્ટેટ પેન્શનમાં 8.5 ટકાનો વધારો

5.5 મિલિયન પરિવારને સરેરાશ 470 પાઉન્ડનો વધારો મળશે, એપ્રિલ 2024થી પેન્શનરોને સરેરાશ 221 પાઉન્ડ પ્રતિ સપ્તાહ ચૂકવાશે, 2020થી યથાવત રહેલા લોકલ હાઉસિંગ એલાઉન્સમાં પણ વધારો કરાશે

Tuesday 28th November 2023 10:35 EST
 

લંડનઃ ચાન્સેલર હન્ટે તેમના ઓટમ સ્ટેટમેન્ટમાં સરકાર દ્વારા ચૂકવાતા બેનિફિટ્સમાં સપ્ટેમ્બર 2023ના ફુગાવાના દર પ્રમાણે વધારો કરવાની જાહેરાત કરી હતી. જેના પગલે સરકાર દ્વારા ચૂકવાતા બેનિફિટ્સમાં 6.7 ટકાનો વધારો થશે. તેનો અર્થ એ થયો કે વિવિધ પ્રકારના બેનિફિટ્સ મેળવી રહેલા 5.5 મિલિયન પરિવારને સરેરાશ 470 પાઉન્ડનો વધારો મળશે.

હન્ટે જણાવ્યું હતું કે, તેઓ વેલ્ફેર યોજનાઓમાં છેલ્લા એક દાયકાના સૌથી મોટા સુધારા કરી રહ્યાં છે જેના કારણે વધુ બે લાખ લોકોને કામ પર પરત લાવી શકાશે. જે લોકો બેનિફિટ્સ માટે દાવા કરે છે તેમને જો 18 મહિનામાં નોકરી ના મળે તો ફરજિયાત વર્ચ એક્સપિરિયન્સનો સામનો કરવો પડશે.

તે ઉપરાંત ચાન્સેલર હન્ટે સ્ટેટ પેન્શનમાં 8.5 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. જેના પગલે એપ્રિલ 2024થી પેન્શનરોને સરેરાશ 221 પાઉન્ડ પ્રતિ સપ્તાહ ચૂકવાશે. તે ઉપરાંત નવા નોકરીદાતા દ્વારા કર્મચારીઓના વર્તમાન પેન્શન પોટમાં જ પેન્શન યોગદાન જમા કરાવાય તેવો કાયદાકીય અધિકાર આપવાની સરકારે જાહેરાત કરી છે.

ચાન્સેલર હન્ટે જણાવ્યું છે કે તેઓ વર્ષ 2020થી યથાવત રહેલા લોકલ હાઉસિંગ એલાઉન્સમાં પણ વધારો કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter