વિવેકે 30 દિવસમાં 30 શહેરોમાંથી 360 કિલો કચરો એકઠો કર્યો

વિવેકની સાથે અભિયાનમાં 250 સ્વયંસેવકો પણ જોડાયાં હતાં

Wednesday 11th January 2023 06:03 EST
 
 

લંડન

ભારતીય મૂળના પર્યાવરણવિદ્દ અને તેમની ટીમના સ્વયંસેવકોએ બ્રિટનમાં 30 દિવસમાં 30 શહેરોમાંથી 360 કિલો કચરો એકઠો કરીને એક અનોખું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. વિવેક ગૌરવ આ પ્રવાસ દ્વારા લોકોને સ્વચ્છતાનો સંદેશ આપવા ઇચ્છતા હતા. તેમણે જનતાને પોતાના પ્લોગિંગ ગ્રુપ શરૂ કરવાની અપીલ કરી હતી. વિવેક ગૌરવે 2018માં તેમના હોમ સિટી પૂણેથી આ કાર્યની શરૂઆત કરી હતી. સપ્ટેમ્બર 2021માં તે અભ્યાસ અર્થે બ્રિટનની બ્રિસ્ટોલ યુનિવર્સિટી સાથે જોડાયા હતા. ડિસેમ્બરમાં તેમણે બ્રિટનના 30 શહેરોમાં ફરીને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો નિર્ણય કર્યો હતો.

વિવેકના  આ અભિયાનમાં 250 જેટલા સ્થાનિક સ્વયંસેવકો જોડાયા હતા અને તેમણે 360 કિલો કચરો એકઠો કરવામાં મદદ કરી હતી. વિવેકે વોલ્વરહેમ્પટન, માન્ચેસ્ટર, સ્ટોક, લીડ્સ, લીવરપૂલ, લિન્કન અને લંડન સહિતના શહેરોમાં આ અભિયાન ચલાવ્યું હતું.

વિવેક ગૌરવ કહે છે કે આ એક અદ્દભૂત અનુભવ હતો. ઘણા લોકો મારા સમર્થનમાં આગળ આવ્યા તે જોઇને ઘણી ખુશી થઇ રહી છે. વિવેક ગૌરવના સ્વયંસેવકોએ ભારતમાં છેલ્લા ચાર વર્ષમાં 1000 ટન કરતા વધુ કચરાનો નિકાલ કર્યો છે. વિવેક ગૌરવને તેમની કામગીરી માટે તત્કાલિન વડાપ્રધાન બોરિસ જ્હોન્સન દ્વારા સન્માનિત કરાયા હતા. તાજેતરમાં જ તેમણે સીઓવાય17 ખાતે પણ સંબોધન કર્યું હતું.

વિવેક ગૌરવે નવેમ્બર 2022માં જ તેમનો અભ્યાસ પૂરો કર્યો છે અને હવે તેઓ એક એન્વાયરમેન્ટ કન્સલ્ટન્સીમાં કામ કરી રહ્યાં છે. વિવેક આ કામ સાથે તેમના પ્લોગિંગ મિશનો પણ જારી રાખે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter