લંડન
બ્રિટન સ્થિત એક મીડિયા પ્રકાશન દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન ધ્યાને આવ્યું છે કે ભારતથી ઓપરેટ કરી રહેલા ઓનલાઇન હેકર્સ પાકિસ્તાન સહિત વિશ્વભરના દેશોના સેંકડો ઉચ્ચ સરકારી સત્તાધારીઓ અને ખાનગી અગ્રણીઓના ઇમેલ એકાઉન્ટને ગેરકાયદે નિશાન બનાવી રહ્યા છે. સનડે ટાઇમ્સે દાવો કર્યો છે કે ભારતના આ હેકર્સ જે લોકોને નિશાન બનાવી રહ્યા છે તેમાં પાકિસ્તાનના રાજકારણીઓ, રાજદ્વારીઓ અને જનરલ્સનો પણ સમાવેશ થાય છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતની સિક્રેટ સર્વિસ વતી આ હેકર્સ વિશ્વભરના અગ્રણીઓના કોમ્પ્યૂટર્સ પર નિયંત્રણ મેળવીને તેમની ખાનગી વાતચીત કે સંદેશા સુધી પહોંચ બનાવી દે છે. અહેવાલમાં જણાવ્યા મુજબ આ હેકર્સના નિશાન પર જે લોકો છે તેમાં હિન્દુજા બંધુઓ પૈકી અશોક હિંદુજા, માર્ક ફુલબ્રુક, લિઝ ટ્રસ વડાપ્રધાન હતા ત્યારે તેમના મુખ્ય અધિકારી, બ્રિટનના ભૂતપૂર્વ ચાન્સેલર ફિલીપ હમોન્ડ, પાકિસ્તાન તહેરિક-એ- ઇન્સાફ પાર્ટીના નેતા ફવાદ ચૌધરી, પૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફ, બીબીસીના પોલિટિકલ એડિટર ક્રિસ મેસોન, સ્વીત્ઝર્લેન્ડના પ્રમુખ ઇગ્નાઝિઓ કેસિસ, બીએમડબ્લ્યુ કંપનીના માલિક અને જર્મન અબજોપતિ સ્ટીફન કુંડ્ટનો સમાવેશ થાય છે.
તે ઉપરાંત લંડનના પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેટર્સ બ્રિટનના બિઝનેસ જૂથો, સરકારી અધિકારીઓ અને પત્રકારોને ટાર્ગેટ બનાવવા માટે ભારત સ્થિતિ હેકિંગ ગેંગની મદદ લઇ રહ્યા હોવાનો આરોપ મૂકાયો છે. ગેંગના ડેટાબેઝ પરથી જાણવા મળ્યું છે કે તેમના દ્વારા અઢળક સાયબર હુમલા કરાયા છે. ભારત સ્થિત આ ક્રિમિનલો ઓટોક્રેટિક દેશો, બ્રિટિશ વકીલો અને તેમના અમીર અસીલો માટે કામ કરતા ઇન્વેસ્ટિગેટર્સ વતી 100 કરતાં વધુ લોકોના પ્રાઇવેટ ઇમેલ એકાઉન્ટને ટાર્ગેટ બનાવી ચૂક્યાં છે.
પહેલીવાર આ રીતે સાયબર ગેંગને હાયર કરીને સાયબર હુમલા કરાવાયા હોવાનો મામલો સામે આવ્યો છે. તેના કારણે મોટી સંખ્યામાં અપરાધિક કાવતરાનો પર્દાફાશ થઇ રહ્યો છે. આ પ્રકારની હેકર ગેંગના ક્લાયન્ટ લંડનની મોટી કાયદા કંપનીઓ માટે કામ કરતા પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેટર્સ પણ છે.
તપાસમાં જાણવા મળ્યું છએ કે મે મહિનામાં ભારતની હેકર્સ ગેંગે બીબીસીના પોલિટિકલ એડિટર ક્રિસ મેસનને લક્ષ્યાંક બનાવ્યા હતા. ત્યારબાદ રશિયા પરના પ્રતિબંધોની ચર્ચા માટે બોરિસ જ્હોન્સન અને લિઝ ટ્રસ સાથે મુલાકાત બાદ સ્વિત્ઝર્લેન્ડના પ્રમુખ અને તેમના ડેપ્યુટીને નિશાન બનાવવામાં આવ્યા હતા. રશિયા દ્વારા સેલિસબરીમાં કરાયેલા હુમલાના પરિણામો પર કામ કરી રહેલા તત્કાલિન ચાન્સેલર ફિલિપ હેમન્ડને આ ગેંગ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા.
રશિયા માટે કામ કરતી લંડનની એક કાયદા કંપનીએ કામે રાખેલા પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેટરે પુતિનનો સાથ છોડી રહેલા બ્રિટન સ્થિત એક અમીરને લક્ષ્યાંક બનાવવા ભારતીય ગેંગની મદદ લીધી હતી. આ પ્રકારની ઘણી ઘટનાઓ સામે આવી છે. બ્રિટનમાં હેકિંગ કરાવવું ફોજદારી ગુનો છે અને તેના માટે મહત્તમ 10 વર્ષની કેદ થઇ શકે છે.
ગુરુગ્રામથી ઓપરેટ કરી રહી છે ભારતીય હેકિંગ ગેંગ
વ્હાઇટઇન્ટના નામે ઓપરેટ કરી રહેલી ભારતીય હેકિંગ ગેંગનું કામકાજ ગુરુગ્રામના પરામાં આવેલા એક એપાર્ટમેન્ટના ચોથા માળેથી ચાલી રહ્યું છે. તેનો માસ્ટર માઇન્ડ ટીવી સાયબર સિક્યુરિટી પંડિત ગણાતો 31 વર્ષનો આદિત્ય જૈન છે. છેલ્લા 7 વર્ષથી આદિત્ય જૈન હેકિંગ નેટવર્ક ચલાવી રહ્યો છે અને તેને બ્રિટનના પ્રાઇવેટ ડિટેક્ટિવો હાયર કરી રહ્યાં છે.
પત્રકાર બની ભારતીય હેકર્સ સાથે મુલાકાત કરી
એમ 16ના પૂર્વ એજન્ટ અને નકલી કોર્પોરેટ કંપની માટે કામ કરતા કોર્પોરેટ તપાસકર્તાના રૂપમાં સન્ડે ટાઇમ્સના પત્રકારોએ ભારતની મુલાકાત લીધી હતી. તેમણે ભારતના ટોચના હેકર્સની મુલાકાત લીધી હતી. તે પત્રકારોએ પોતે જે કહેવાતા કોર્પોરેટ ગૃહ માટે કામ કરી રહ્યા છે તેને નિશાન બનાવી રહેલા પરિબળ વિષેની ખાનગી માહિતી તે હેકર્સ પાસેથી મેળવવા પ્રયાસ કર્યો હતો.


