વિશ્વના શ્રેષ્ઠ ૩૭ શહેરોમાં માન્ચેસ્ટર ત્રીજા અને લંડન ૧૩મા ક્રમે

Wednesday 15th September 2021 06:11 EDT
 
 

લંડનઃ આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થા ટાઈમ આઉટ દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ૩૭ શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં, યુકેના માન્ચેસ્ટર ત્રીજા અને લંડન ૧૩મા ક્રમે છે. લાલ રંગના બ્રિજ, આકર્ષિત કરતી રેસ્ટોરાં અને ટેક ઈન્ડસ્ટ્રી માટે પ્રસિદ્ધ અમેરિકાનું સાન ફ્રાન્સિસ્કો શહેર ખાણી-પીણી, સંસ્કૃતિ અને સારી નાઈટલાઈફ મામલે દુનિયાનું સર્વશ્રેષ્ઠ શહેર જાહેર કરાયું છે. નેધરલેન્ડ્ઝની રાજધાની એમ્સટર્ડમ બીજા, કોપન હેગન ચોથા અને ન્યૂ યોર્ક પાંચમા ક્રમે છે. આ યાદીમાં ભારતનું કોઈ શહેર સ્થાન મેળવી શક્યું નથી.

કોરોનાકાળમાં સામુદાયિક ભાવના, શહેરી માહોલ, પર્યાવરણ અને લોકો સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર જેવા માપદંડો સંદર્ભે ૨૭,૦૦૦ લોકોનો અભિપ્રાય લીધા પછી આ યાદી તૈયાર કરાઈ છે.

ત્રીજા ક્રમે રહેલા માન્ચેસ્ટર શહેરને તેની કોમ્યુનિટી ભાવના એને નાઈટલાફ માટે બિરદાવાયું છે. ટાઈમ આઉટ ઈન્ડેક્સ મુજબ ‘ માન્ચેસ્ટર તમે જે છો તેની અભિવ્યક્તિ કરવા, નવા મિત્રો બનાવવા, તમારા પાડોશીઓને જાણવા તેમજ તમારાથી અલગ લોકોને મળવા માટે સૌથી સરળ સ્થળ છે. આ શહેર સૌથી મિત્રતાપૂર્ણ અને સામુદાયિક ભાવનામાં શ્રેષ્ઠતા માટે યોગ્ય શહેર છે. માન્ચેસ્ટરની નાઈટ લાઈફ પણ શ્રેષ્ઠ છે.’ માન્ચસ્ટરના મેયર એન્ડી બર્નહામે જણાવ્યું હતું કે,‘આ શહેર હંમેશાં મુશ્કેલ સમયમાં સાથે મળીને રહે છે અને તેમણે ફરી વખત તે કરી બતાવ્યું છે.’

૧૩મા ક્રમે રહેલા લંડન શહેર માટે ટાઈમ્સ આઉટની યાદી જણાવે છે કે,‘ વિશ્વમાં સૌથી વૈવિધ્યસભર (આ મત શહેરના ૮૮ ટકા લોકોનો પણ છે) તેમજ નવી અને આશ્ચર્યજનક બાબતોને જાણવા માટેનું શહેર છે. શહેરના ૬૩ ટકા લોકો કહે છે કે લંડનને ઘર ગણાવી શકાય તેવું ઉત્સાહપ્રેરક શહેર છે. લોકડાઉન્સમાં લંડનવાસીઓએ ખાણીપીણીની મોજ માણી હતી, ટેઈક અવેઝ અને ડુ ઈટ યોરસેલ્ફ (DIY)ની બોલબાલા રહી હતી. શહેરના ૮૬ ટકા લોકોએ લંડનને બહાર જમવા જવા માટે આદર્શ સ્થળ ગણાવ્યું હતું.’

ટાઈમ આઉટ અનુસાર પ્રગતિશીલતા, સ્વીકાર્યતા અને સ્થિરતાના બેજોડ મેળને લીધે સાન ફ્રાન્સિસ્કો સામે કોઈ બીજું શહેર ટકી શક્યું જ નહીં. ૭૩ ટકા લોકોએ કહ્યું કે અહીં મહામારીમાં કડક લોકડાઉન અને તેના પછી લેવાયેલા પગલાને લાગુ કરવામાં નાગરિકોએ પૂરો સહયોગ કર્યો હતો.

વિશ્વના પ્રથમ ૩૭ શ્રેષ્ઠ શહેર  

(૧) સાન ફ્રાન્સિસ્કો (૨) એમ્સટર્ડમ (૩) માન્ચેસ્ટર (૪) કોપેનહેગન (૫) ન્યુયોર્ક (૬) મોન્ટ્રિયલ (૭) પ્રાગ (૮) તેલ અવીવ (૯) પોર્તો (૧૦) ટોક્યો (૧૧) લોસ એન્જેલસ (૧૨) શિકાગો (૧૩) લંડન (૧૪) બાર્સેલોના (૧૫) મેલબોર્ન (૧૬) સિડની (૧૭) શાંઘાઈ (૧૮) મેડ્રિડ (૧૯) મેક્સિકો સિટી (૨૦). હોંગ કોંગ (૨૧). લિસ્બન (૨૨) બોસ્ટન (૨૩) મિલાન (૨૪) સિંગાપોર (૨૫) મિઆમી (૨૬) દુબાઈ (૨૭) બેઈજિંગ (૨૮) પેરિસ (૨૯) બુડાપેસ્ટ (૩૦) અબુ ધાબી (૩૧) સાઓ પાઉલો (૩૨) જોહાનિસબર્ગ (૩૩) રોમ (૩૪) મોસ્કો (૩૫) બ્યુએનોસ એર્સ (૩૬) ઈસ્તંબુલ (૩૭) બેંગકોક


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter