વિશ્વના સૌથી મોટા અને ભવ્ય એવોર્ડ્સના વિજેતાનો આધાર તમારા નોમિનેશન્સ પર છે

Tuesday 26th July 2016 05:59 EDT
 
 

ગત થોડાં વર્ષોમાં પ્રોફેશનલ ક્ષેત્રોમાં બ્રિટિશ એશિયન પ્રતિનિધિત્વમાં સંગીન વધારો થયો છે. બ્રિટિશ જીવનમાં અવિભાજ્ય અંગ બની ગયેલી એશિયન કોમ્યુનિટી દેશના ભાવિના ઘડતરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહેલ છે. બ્રિટિશ એશિયનોના વિશેષ પ્રદાન અને સખત પરિશ્રમની ઊજવણી અને સ્વીકૃતિ આપવા ઝાકમઝોળ અને સિતારાઓની હાજરી ધરાવતા કાર્યક્રમ ‘ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સ’ (AAA)નું આયોજન કરવામાં આવે છે, જેમાં બ્રિટિશ એશિયન સમાજના પ્રતિષ્ઠિત અને સેલિબ્રિટી મહાનુભાવો ઉપસ્થિત રહે છે.

પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ તરીકે પણ જાણીતા એવોર્ડ્સમાં એશિયન કોમ્યુનિટીમાં તમામ ક્ષેત્રે વ્યક્તિઓના નોંધપાત્ર કાર્યની કદર કરવા સાથે યુકેની એશિયન કોમ્યુનિટીમાં સર્વશ્રેષ્ઠ લોકોની સિદ્ધિઓનો સ્વીકાર કરવામાં આવે છે. દર વર્ષે યોજાતાં એવોર્ડ્સનું આયોજન એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ (ABPL) દ્વારા કરવામાં આવે છે અને એવોર્ડ્સનો આ ૧૬મો વાર્ષિક સમારંભ છે, જે સપ્ટેમ્બર ૨૦૧૬માં પ્રતિષ્ઠિત ગ્રોવનર હાઉસ હોટેલમાં યોજવામાં આવેલ છે.

‘એશિયન એચિવર્સ એવોર્ડ્સ’ ૧૦ કેટેગરીમાં વહેંચાયેલા છે. અમે આપને ગત સપ્તાહોમાં મીડિયા, આર્ટ્સ એન્ડ કલ્ચર, કોમ્યુનિટી સર્વિસીસ, એચિવમેન્ટ ઈન સ્પોર્ટ્સ અને યુનિફોર્મ્ડ સર્વિસીસ, એન્ટ્રેપ્રીન્યોર, બિઝનેસ પર્સન અને વુમન ઓફ ધ યર તેમજ લાઈફટાઈમ એચિવમેન્ટ સહિત એચિવર્સ એવોર્ડ્સની વિવિધ કેટેગરીઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

દર વર્ષે એવોર્ડનો રાત્રિસમારંભ વિશેષ થીમ આધારિત રહે છે અને સમાજના ચોક્કસ પાસાને ધ્યાનમાં રાખી તેની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ‘પ્રોફેશનલ ઓફ ધ યર’ કેટેગરી પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

‘ધ પ્રોફેશનલ ઓફ ધ યર’ એવોર્ડ વ્યવસાયોમાં નોંધપાત્ર સિદ્ધિઓ અને/ કોમ્યુનિટીને વિશેષ પ્રદાન કરવા બદલ એનાયત કરવામાં આવે છે. ગત વર્ષે BDO ના ડિરેક્ટર સતવિર બુંગરને આ એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્યા હતાં. શ્રી બુંગરે તેમની કારકીર્દિનો મોટા ભાગનો હિસ્સો વિવિધ બોર્ડ્સ પર કોર્પોરેટ એડવાઈઝર તરીકેની કામગીરીમાં વીતાવ્યો છે. તેઓ લિસ્ટેડ તેમજ ખાનગી અથવા વેન્ચર કેપિટલના ટેકા સાથેની કંપનીઓ માટે કાર્ય કરે છે.

ગત વર્ષે આ એવોર્ડ માટે શોર્ટ લિસ્ટ કરાયેલા ઉમેદવારોમાં OC&C સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ્સના પાર્ટનર, યુકે રીટેઈલ ટીમના સેક્ટર હેડ તેમજ લક્ઝરી બ્યુટી બિઝનેસ સ્પેસ યુકેમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનિતા બાલચંદાની તથા કન્સલ્ટન્ટ કાર્ડિઓથોરાસિક સર્જન અને સ્વાનસી યુનિવર્સિટીના ઓનરરી એસોસિયેટ પ્રોફેસર ડો. ફરાહ ભટ્ટીનો સમાવેશ થયો હતો. ડો. ભટ્ટી રોયલ કોલેજ ઓફ સર્જ્ન્સ ઓફ ઈંગ્લેન્ડમાં ઓપોર્ચ્યુનિટિઝ ઈન સર્જરી કમિટીના સભ્ય પણ છે. આ ઉપરાંત, સરેસ્થિત પિરબ્રાઈટ ઈન્સ્ટિટ્યુટમાં રિસર્ચ પ્રોગ્રામના હેડ પ્રોફેસર વેણુગોપાલ કે. નાયર પણ હતા, જેમનું સંશોધન વાયરસના કારણે થતાં કેન્સરના મોલેક્યુલર મિકેનિઝમને ઓળખવા અંગે કેન્દ્રિત થયેલું છે.

યુકેમાં પોતાના સંબંધિત ક્ષેત્રોમાં પ્રદાન આપવા બદલ કદર કરવા યોગ્ય અનેક બ્રિટિશ એશિયન છે. જો તમે એવી વ્યક્તિને જાણતા હો જેણે સમાજને વિશેષ પ્રદાન આપ્યું છે, મુઠી ઊંચેરા વ્યક્તિત્વ તરીકે સિદ્ધિ હાંસલ કરી છે અને તેમની કદર થવી જોઈએ તો તમે તેમને www.asianachieversawards.comપર ઓનલાઈન નોમિનેટ કરી શકો છો અથવા આ સપ્તાહે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’માં પ્રકાશિત નોમિનેશન ફોર્મમાં તેમની વિગતો નોંધી રજીસ્ટ્રેશન કરાવી શકો છે. આ નોમિનેશન મોકલવાની અંતિમ તારીખ ૩૧ જુલાઈ ૨૦૧૬ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter