લંડનઃ વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર બ્રિટિશ ભારતીય ફૌજા સિંહનું ભારતના પંજાબ રાજ્યના જલંધર નજીક આવેલા તેમના વતન બિયાસ ગામ ખાતે સડક પાર કરતી વખતે કારે ટક્કર મારતાં 114 વર્ષની વયે નિધન થયું હતું. અકસ્માતમાં ફૌજા સિંહને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં હતાં પરંતુ સોમવારે સાંજે 7.30 કલાકે તેમનું નિધન થઇ ગયું હતું. લંડન સ્થિત તેમની રનિંગ ક્લબ અને ચેરિટી શીખ ઇન ધ સિટીએ તેમના નિધનના અહેવાલોને સમર્થન આપ્યું હતું.
1 એપ્રિલ 1911ના રોજ બિયાસ ગામ ખાતે જન્મેલા ફૌજા સિંહ 1992થી ઇલફોર્ડ ખાતે વસવાટ કરતા હતા અને તેમણે 100 વર્ષની વય પછી પણ અસંખ્ય મેરેથોન દોડમાં હિસ્સો લીધો હતો. ફૌજા સિંહ બાળપણમાં અત્યંત નબળાં હતાં અને તેઓ પાંચ વર્ષના થયા ત્યાં સુધી ચાલી શક્તા નહોતા. વર્ષ 2000માં તેમણે લંડનમાં પહેલીવાર મેરેથોનમાં હિસ્સો લીધો હતો અને તેમની વયજૂથના અન્ય દોડવીરો કરતાં સૌથી ઓછા સમય 6 કલાક-54 મિનિટમાં આ દોડ પૂરી કરી હતી.
વર્ષ 2003માં કેનેડાના ટોરોન્ટો ખાતે તેમણે પાંચ કલાક 40 મિનિટમાં મેરેથોન પૂરી કરી હતી જે તેમનો શ્રેષ્ઠ દેખાવ હતો. આઠ વર્ષ બાદ તેઓ મેરેથોન દોડનારા પ્રથમ સેન્ટેનરિયન બન્યાં હતા.
સાંસદ પ્રીત કૌર ગિલે શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, ફૌજા સિંહના નિધનથી ઘણું દુઃખ થયું છે. તેઓ એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ હતા. તેમના માટે ઉંમર ફક્ત એક આંકડો હતો.
ભારતના પંજાબના રાજ્યપાલ ગુલાબસિંહ કટારાએ દોડવીરને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, તેઓ એક મહાન મેરેથોન દોડવીર અને ધીરજ તથા આશાનું પ્રતીક હતા. ડિસેમ્બર 2024માં નશામુક્ત પંજાબ માર્ચ દરમિયાન મને તેમની સાથે દોડવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું હતું.
ફૌજા સિંહના યુકે સ્થિત સંતાનો અને પરિવાર ભારત પહોંચે ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરાશે.