લંડન
મહારાણી એલિઝાબેથ બીજાની અંતિમવિધિ પ્રસંગે સોમવારે સમગ્ર બ્રિટન જાણે કે સ્થગિત થઇ ગયો હતો. મહારાણીની અંતિમયાત્રા અને વિધિને નિહાળવા માટે હજારો લોકો લંડનની સડકો પર ઉમટ્યા તો બ્રિટનના અન્ય પ્રદેશોમાં પબ, કેર હોમ્સ અને એરપોર્ટ ખાતે પણ કરોડો લોકોએ એકઠાં મળીને સમગ્ર વિધિ નિહાળી હતી. પોતાના ફોન પર અંતિમવિધિ નિહાળવા માટે લોકો સડકો પર જ થંભી ગયાં હતાં. આ ઐતિહાસિક અંતિમવિધિના લાઇવ પ્રસારણને જોવા માટે સમગ્ર બ્રિટનમાં ઠેર ઠેર આઉટડોર સ્ક્રીનની વ્યવસ્થા પણ કરાઇ હતી જ્યાં હજારો લોકો એકઠાં થયાં હતાં. વિન્ડસરમાં પણ મહારાણીને શ્રદ્ધાંજલિ અર્પવા માટે લોન્ગવોક, પબ્લિક પાર્ક, સિટી સેન્ટરો અને સરકારી ઇમારતોમાં સેંકડો લોકો એકઠાં થયાં હતાં. મહારાણીની અંતિમવિધિ ઇતિહાસમાં સૌથી વધુ જોવાયેલી ઇવેન્ટ બની રહી હતી. એક અંદાજ પ્રમાણે સમગ્ર વિશ્વમાં 410 કરોડ લોકોએ મહારાણીની અંતિમવિધિ નિહાળી હતી.


