વિશ્વમાં પહેલીવાર બ્રિટિશ સુપ્રીમે કોઇ રાજદ્વારીને દોષી ઠરાવ્યો

ઘરકામ કરનારને ગુલામની જેમ રાખવા માટે સાઉદી રાજદ્વારી દોષીઃ કર્મચારીનું શોષણ કરતા રાજદ્વારીને અપરાધમાંથી મુક્તિ મળી શકે નહીં - સુપ્રીમ કોર્ટ

Wednesday 13th July 2022 02:57 EDT
 

લંડનઃ બ્રિટનમાં ઘરકામ કરનાર કર્મચારીને ગુલામની જેમ રાખવા માટે એક વિદેશી રાજદ્વારીને કોર્ટ દ્વારા દોષિત ઠેરવાયો છે. વિશ્વમાં સંભવિત આ પ્રકારના સૌપ્રથમ ચુકાદામાં રાજદ્વારીને કોર્ટ દ્વારા સજા કરાશે. એક સીમાસ્થંભ સ્વરૂપ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જે રાજદ્વારીઓ આધુનિક ગુલામી સ્વરૂપે પોતાના કર્મચારીઓનું શોષણ કરતા હોય તેઓ પીડિત કર્મચારી દ્વારા કરાયેલી વળતરની માગ સામે રાજદ્વારી સંરક્ષણ મેળવી શકે નહીં.

વર્ષ 2016માં સાઉદી અરબના રાજદ્વારી ખાલિદ બસફર દ્વારા ફિલિપાઇન્સની 30 વર્ષીય નાગરિક જોસેફિન વોંગને ઘરકામ કરવા બ્રિટન લવાઇ હતી. બસરના પરિવાર દ્વારા થતા અત્યાચારોના કારણે વોંગ વર્ષ 2018માં નાસી છૂટવામાં સફળ રહી હતી અને બસફર સામે એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કર્યો હતો. બસફરે દલીલ કરી હતી કે તેમને રાજદ્વારી સંરક્ષણ પ્રાપ્ત થતું હોવાથી વોંગનો કેસ ફગાવી દેવામાં આવે.

સામાન્ય રીતે રાજદ્વારીઓને તેમની પોસ્ટિંગના દેશમાં ક્રિમિનલ અને સિવિલ ચાર્જિસ સામે સંરક્ષણ અપાય છે પરંતુ બ્રિટનની સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે 3 વિરુદ્ધ બેથી આ કેસમાં ચુકાદો આપ્યો હતો કે આધુનિક ગુલામીના સિવિલ કેસોમાં રાજદ્વારીને સંરક્ષણ મળી શકે નહીં.

સુપ્રીમ કોર્ટના આચુકાદાને કારણે રાજદ્વારીઓ દ્વારા કરાતા શોષણ સામે પગલાં લેનારો બ્રિટન પ્રથમ દેશ બની ગયો છે. હવે આ કેસ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલને મોકલી અપાશે જ્યાં વોંગને અપાનારું વળતર નક્કી કરાશે.

સાઉદી રાજદ્વારી સામે ઘરકામ કરનાર મહિલાના આરોપ

• દિવસના 16 કલાક કામ કરાવતા હતા

• સપ્તાહમાં એકપણ દિવસ રજા અપાતી નહોતી

• ઘરની બહાર જવાની પરવાનગી નહોતી

• નક્કી કરાયેલો પગાર ચૂકવાતો નહોતો

• બ્રિટન આવ્યા બાદ ઘરમાં જ કેદ કરી રખાઇ હતી

• વર્ષમાં બે વાર રાજદ્વારીના મોબાઇલ ફોનથી પરિવાર સાથે વાત કરવાની મંજૂરી હતી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter