લંડન
વિશ્વમાં પહેલીવાર પ્રયોગશાળામાં તૈયાર કરાયેલા લોહીની ક્લિનિકલ ટ્રાયલનો પ્રારંભ કરાયો છે. બ્રિટનના સંશોધકોએ જણાવ્યું છે કે પ્રયોગશાળામાં તૈયાર કરાયેલું લોહી માનવ શરીરમાં કેવા પ્રકારની કામગીરી કરે છે તે જોવા ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લઇ રહેલા લોકોને થોડી માત્રામાં લોહી ચડાવીને પરીક્ષણો હાથ ધરાયાં છે. વિશ્વમાં માનવજિંદગીઓ બચાવવા માટે લોહીના પૂરવઠા માટે દાતાઓ પર આધારિત રહેવું પડે છે. સંશોધકો ઓછી માત્રામાં ઉપલબ્ધ થતાં ગ્રુપના લોહીને પ્રયોગશાળામાં તૈયાર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. સિકલ સેલ એનિમિયા જેવા રોગોથી પીડાતા દર્દીઓને નિયમિત રીતે લોહીની જરૂર પડે છે. આ પ્રકારનું સંશોધન તેમના માટે મોટા આશીર્વાદરૂપ પૂરવાર થશે. જો સમાન ગ્રુપનું લોહી ન મળે તો શરીર તેને નકારી કાઢે છે. બ્રિસ્ટોલ યુનિવર્સિટીના પ્રોફેસર એસ્લી ટોયે કહે છે કે કેટલાક બ્લડ ગ્રુપ અલભ્ય હોય છે અને દેશમાં ફક્ત 10 લોકો જ આ પ્રકારના ગ્રુપ ધરાવે છે. બ્રિટનમાં બોમ્બે બ્લડ ગ્રુપના ફક્ત 3 યુનિટ હાલ ઉપલબ્ધ છે. આ ગ્રુપ સૌથી પહેલા ભારતમાં શોધી કઢાયું હતું.
બ્રિસ્ટોલ, કેમ્બ્રિજ અને લંડન યુનિવર્સિટીના સંશોધકોની ટુકડીઓ એનએચએસ બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ખાતે આ રિસર્ચ પ્રોજેક્ટ ચલાવી રહી છે. પ્રોજેક્ટ અંતર્ગત પ્રયોગશાળામાં સ્ટેમસેલની મદદથી લાલ રક્તકણો તૈયાર કરવામાં આવે છે. પાંચ લાખ સ્ટેમસેલમાંથી 50 બિલિયન લાલ રક્તકણો તૈયાર કરી શકાય છે. પ્રોફેસર ટોયે કહે છે કે અમે ભવિષ્યમાં શક્ય એટલું વધુ લોહી પ્રયોગશાળામાં તૈયાર કરવા માગીએ છીએ.
હાલ શરૂ કરાયેલી ક્લિનિકલ ટ્રાયલમાં બે વ્યક્તિ ભાગ લઇ રહી છે. ત્યારબાદ 10 વ્યક્તિ પર પરીક્ષણો હાથ ધરાવાના છે.


