લંડનઃ એનએચએસ દ્વારા વિશ્વમાં સૌપ્રથમવાર કૃત્રિમ પિત્તાશય પ્રત્યાર્પિત કરવાનું શરૂ કરાયું છે જેના પગલે ટાઇપ વન ડાયાબિટિસથી પીડાતા લાખો બાળકો અને પુખ્તોને સારવારમાં મદદ મળશે. આ ડિવાઇસ માનવ શરીરમાં સતત બ્લડ ગ્લૂકોઝ મોનિટર કરે છે અને પમ્પ દ્વારા અપાતા ઇન્સ્યુલિનની માત્રા આપોઆપ નિયંત્રિત કરે છે.
સ્થાનિક એનએચએસ હોસ્પિટલો દ્વારા ટાઇપ વન ડાયાબિટિસથી પીડાતા યોગ્ય દર્દીઓની ઓળખ શરૂ કરશે. એનએચએસના વડાઓનું માનવું છે કે હાઇબ્રીડ ક્લોઝ્ડ લૂપ સિસ્ટમ અથવા તો કૃત્રિમ પિત્તાશયનો તેમને લાભ અપાશે. એક અંદાજ પ્રમાણે ઇંગ્લેન્ડમાં ટાઇપ વન ડાયાબિટિસથી પીડાતા દર્દીઓની સંખ્યા 2,69,095 જેટલી છે.
શરીરમાં આ ડિવાઇસ લગાવ્યા પછી દર્દીને જાતે ઇન્શ્યુલિનના ઇન્જેક્શન લેવાની જરૂર પડશે નહીં. એનએચએસ ઇંગ્લેન્ડને આ યોજના માટે 2.5 મિલિયન પાઉન્ડની ફાળવણી કરાઇ છે અને હવે ટાઇપ વન ડાયાબિટિસના દર્દીઓને એનએચએસ ખાતે આ ડિવાઇસ ઉપલબ્ધ કરાવાશે. આ ડિવાઇસના કારણે જીવને જોખમરૂપ બનતા હાઇપોગ્લાઇકેમિક અને હાઇપરગ્લાઇકેમિયા એટેકને અટકાવી શકાશે. આ પ્રકારના એટેકને કારણે દર્દી કોમામાં ચાલ્યો જાય છે અથવા તો તેનું મોત પણ નિપજે છે.


