લંડનઃ યુકેની મુલાકાતે આવેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા કરતા લંડનના મેયર સાદિક ખાને આરોપ મૂક્યો હતો કે અમેરિકી પ્રમુખ સમગ્ર વિશ્વમાં અસહિષ્ણુ જમણેરી વિચારધારાને ભડકાવવામાં સૌથી વધુ પ્રોત્સાહન આપી રહ્યા છે. ટ્રમ્પ એક સરમુખત્યારની જેમ લઘુમતી સમુદાયોને નિશાન બનાવી રહ્યા છે, શહેરોમાં સેનાનો ઉપયોગ કરી રહ્યા છે.
સાદિક ખાને એક અખબારી આર્ટિકલમાં જણાવ્યું હતું કે, અમેરિકા સાથે સારા સંબંધ જાળવવાના કારણો હું સારી રીતે સમજુ છું પરંતુ બ્રિટને અમેરિકાના નેતાની ટીકા કરવામાં ભય અનુભવવો જોઇએ નહીં. તાજેતરના વર્ષોમાં સમગ્ર વિશ્વમાં ફાર રાઇટ પોલિટિક્સ ભડકાવવામાં ટ્રમ્પનો સૌથી મોટો ફાળો છે.
ખાને જણાવ્યું હતું કે, ટ્રમ્પની નીતિઓ પશ્ચિમના મૂલ્યો સાથે મેળ ખાતી નથી. તેઓ એક સરમુખત્યારની જેમ વર્તી રહ્યા છે. બ્રિટન અને અમેરિકા વચ્ચેના સંબંધો વિશેષ છે તેમ છતાં આપણે સત્યતાથી પ્રમાણિકપણે ટીકા કરવી જોઇએ. આપણે ભય અને વિભાજનની રાજનીતિને નકારીએ છીએ.

