વિશ્વમાં સરોગસી ધમધમતો વ્યવસાય, 3.3 બિલિયન પાઉન્ડનું માર્કેટ

બ્રિટનમાં 3 વર્ષમાં પોસ્ટ સરોગસી પેરેન્ટલ ઓર્ડરની સંખ્યા 3 ગણી વધી, દેશમાં કોમર્શિયલ સરોગસી પર પ્રતિબંધ છે, ભારતમાં સંતાનવાંચ્છુ દંપતિની નિકટની પરણિત અને સંતાન ધરાવતી સગી જ સરોગેટ મધર બની શકે છે

Wednesday 20th July 2022 06:47 EDT
 
 

લંડન

સંતાનવિહોણા દંપતિઓ સંતાનપ્રાપ્તિ કરી શકે તે માટે વિજ્ઞાન હંમેશા પ્રયત્નશીલ રહ્યુ છે. સૌથી પહેલાં ટેસ્ટ ટ્યુબ ટેકનોલોજી દ્વારા સંતાન પ્રાપ્તિનો જમાનો હતો તો હવે સરોગસીનો જમાનો આવ્યો છે. બ્રિટનમાં સરોગસીને કાયદાનું સંરક્ષણ પ્રાપ્ત છે. સરોગસીનું વૈશ્વિક માર્કેટ 3.3 બિલિયન પાઉન્ડનુ છે જેમાં 2027 સુધીમાં 33 ટકાનો વધારો થવાની સંભાવના છે. બ્રિટનમાં કોમર્શિયલ સરોગસી ગેરકાયદેસર છે પરંતુ વિશ્વના અન્ય દેશોમાં શું સ્થિતિ છે તે જોઇએ.

યુક્રેનમાં 2002થી કોમર્શિયલ સરોગસી કાયદેસર છે. અહીં સરોગસી દ્વારા સંતાનપ્રાપ્તિનો ખર્ચ 30,000 ડોલરનો આવે છે. 2018માં સમગ્ર વિશ્વમાં થયેલી કોમર્શિયલ સરોગસીનું 25 ટકા માર્કેટ યુક્રેનમાં રહ્યું હતુ. જ્યોર્જિયામાં ફક્ત વિષમલિંગી યુગલોને જ કોમર્શિયલ સરોગસી દ્વારા સંતાનપ્રાપ્તિની પરવાનગી છે. અહી સરોગસીનો ખર્ચ 30,000 ડોલરથી શરૂ થાય છે. વિદેશી યુગલો પણ અહીં સરોગસી કરાવી શકે છે. ઇઝરાયેલમાં અત્યાર સુધી ફક્ત વિષમલિગી યુગલોને જ કોમર્શિયલ સરોગસીની પરવાનગી હતી પરંતુ હવે 2022થી સમલિંગી યુગલો, ટ્રાન્સજેન્ડર લોકો અને એકલા પુરુષને પણ સરોગસીની પરવાનગી અપાઇ છે. ઇઝરાયેલમાં ફક્ત ત્યાંના વતની જ સરોગસી કરાવી શકે છે. અહી વિદેશીઓ માટે સરોગસી ગેરકાયદેસર છે. ઇઝરાયેલમા સરોગસીનો ખર્ચ 45000 ડોલરથી શરૂ થાય છે. કઝાખસ્તાનમા વિષમલિંગી યુગો જ સરોગસી દ્વારા સંતાન પ્રાપ્ત કરી શકે છે. અહી સરોગેટ મધરનું પોતાનું સંતાન હોવું ફરજિયાત છે. પાડોશના કિર્ગિઝસ્તાનમાં પણ આજ નિયમો લાગુ પડે છે. અહીં 2015થી કોમર્શિયલ સરોગસીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ દેશોમાં સરોગસીનો ખર્ચ 30000 ડોલર સુધી આવી શકે છે. રશિયામાં સ્થાનિક લોકો સહિત વિદેશી યુગલો પણ સરોગસી દ્વારા સંતાન પ્રાપ્ત કરી શક્તાં હતાં પરતુ મે 2022મા વિદેશીઓ માટે સરોગસી પર પ્રતિબંધ મૂકાયો છે. રશિયામા સરોગસીનો ખર્ચ 50 થી 60 હજાર ડોલર સુધી આવી શકે છે. અમેરિકામાં રાજ્ય પ્રમાણે સરોગસીના કાયદા છે. કેલિફોર્નિયામાં સરોગસી કાયદેસર છે જ્યારે મિશિગનમાં સરોગસી પર પ્રતિબંધ છે. જે રાજ્યોમાં સરોગસી કાયદેસર છે ત્યાં વિદેશી યુગલો પણ સરોગસી દ્વારા સંતાન પ્રાપ્ત કરી શકે છે. અમેરિકામાં સરોગસીનો ખર્ચ બે લાખ ડોલર સુધી આવી શકે છે. કિમ કાર્દાશિયન અને સારા જેસિકા પાર્કર જેવી સેલિબ્રિટીઓ પણ સંતાન માટે સરોગેટ મધરનો ઉપયોગ કરી ચૂકી છે.

બ્રિટનમાં કોમર્શિયલ સરોગસી ગેરકાયદેસર છે પરંતુ દંપતિ પરોપકારી સરોગેટ મધરની પસંદગી કરી શકે છે જેને પોતાના ઉદરમાં અન્યના ગર્ભના ઉછેર માટે કોઇ નાણા ચૂકવાતા નથી. સરોગસી કરાવનાર દંપતિને તે સંતાનના કાયદેસરના માતા-પિતાનો દરજ્જો અપાય છે. છેલ્લા 12 વર્ષમાં બ્રિટનમાં પોસ્ટ સરોગસી પેરેન્ટલ ઓર્ડરની સંખ્યા 3 ગણી થઇ છ. 2020માં આ પ્રકારના પેરેન્ટલ ઓર્ડરની સખ્યા 412 હતી. બ્રિટનમાં સરોગેટ માતા બનવાની જાહેરખબર આપવી ગેરકાયદેસર છે અથવા તો તે માટે કોઇ ફી પણ વસૂલી શકાતી નથી. પરંતુ સરોગેટ માતા પાછળ થતા ખર્ચની કોઇ મર્યાદા નથી. સામાન્ય રીતે આ ખર્ચ 12 થી 18 હજાર પાઉન્ડની વચ્ચે આવે છે.

બ્રિટનની જેમ પરોપકારી સરોગસી કાયદેસર છે તેવા દેશોમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, દક્ષિણ આફ્રિકા, કેનેડા, નેધરલેન્ડ અને બેલ્જિયમનો સમાવેશ થાય છે. ગ્રીસમાં સરોગસી માટેનો ખર્ચ 10,000 યૂરો કરતાં વધતો નથી. ભારતમાં સરોગગેટ મધર દંપતિની નિકટની સગી અને 25થી 35 વર્ષ આયુની હોવી જરૂરી છે. તે ઉપરાંત તે પરણિત અને પોતાનું સંતાન પણ ધરાવતી હોવી જોઇએ.

યુરોપિયન યુનિયનમાં કોમર્શિયલ સરોગસી ગેરકાયદેસર છે જ્યારે થાઇલેન્ડ અને નેપાળમાં 2015 તથા કમ્બોડિયામાં 2016માં કોમર્શિયલ સરોગસી પર પ્રતિબંધ લદાયો હતો. ફ્રાન્સ, જર્મની, સ્પેન, પોર્ટુગલ, ઇટાલી, ફિનલેન્ડ અને બલ્ગેરિયામા પરોપકારી સરોગસી પર પ્રતિબંધ છે. ચીનમાં વર્ષ 2001માં સરોગસી પર પ્રતિબંધ લદાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter