વિશ્વમાં ૩૦૦૦ બિલિયનથી વધુ અને યુકેમાં ત્રણ બિલિયનથી વધુ વૃક્ષ છે

Monday 07th September 2015 12:08 EDT
 
 

લંડનઃ સમગ્ર વિશ્વમાં ૩.૦૪ ટ્રિલિયન (૩,૦૪૦,૦૦૦,૦૦૦,૦૦૦) એટલે કે ૩૦૦૦ બિલિયનથી પણ વધુ વૃક્ષ છે, જે અગાઉના અંદાજ કરતા આઠ ગણા વધુ છે. અગાઉની ગણતરીમાં વિશ્વમાં ૪૦૦ બિલિયન વૃક્ષ હોવાનો અંદાજ બંધાયો હતો. નેચર મેગેઝિનમાં પ્રકાશિત યેલ યુનિવર્સિટીના સંશોધનમાં તૈયાર કરાયેલા ગ્લોબલ મેપ અનુસાર વિશ્વમાં વ્યક્તિદીઠ આશરે ૪૨૨ વૃક્ષનું પ્રમાણ છે. દર વર્ષે જંગલોના ખાતમા, ભૂમિના વપરાશમાં ફેરબદલ સહિતના કારણે ૧૫ બિલિયન વૃક્ષોનું નિકંદન કઢાય છે. યુકેમાં વૃક્ષોની સંખ્યા ત્રણ બિલિયનથી વધુ છે. અભ્યાસમાં ૧૫ દેશોના સંશોધકો જોડાયા હતા.

સૌથી વધુ વૃક્ષગીચતા રશિયા, સ્કેન્ડેનેવિયા અને નોર્થ અમેરિકાના સબ-આર્ક્ટિક વિસ્તારોના જંગલોમાં છે. જોકે, સૌથી વિશાળ વનપ્રદેશો ઉષ્ણકટિબંધ વિસ્તારોમાં છે, જ્યાં વિશ્વના આશરે ૪૩ ટકા વૃક્ષ છે. દેશ અનુસાર વૃક્ષોનું પ્રમાણ જોઈએ તો બ્રિટનમાં ત્રણ બિલિયનથી વધુ એટલે કે નાગરિકદીઠ ૪૭ વૃક્ષ છે, જ્યારે આયર્લેન્ડમાં ૭૦૯ મિલિયન એટલે કે વ્યક્તિદીઠ ૧૫૪ વૃક્ષનું પ્રમાણ છે.

આશરે ૧૨,૦૦૦ વર્ષ અગાઉ માનવ સભ્યતાનો આરંભ થયા પછી વૃક્ષોની કુલ સંખ્યામાં અંદાજે ૪૬ ટકાનો ઘટાડો થયો છે. આની સામે પૂરતા વૃક્ષો ઉગાડાતાં નથી. યુનાઈટેડ નેશન્સના ‘બિલિયન ટ્રી કેમ્પેઈન’ના યુથ ઈનિશિયેટિવ ‘પ્લાન્ટ ફોર પ્લેનેટ’ દ્વારા અભ્યાસની વિનંતી કરવામાં આવી હતી. નવાં રોપાયેલાં વૃક્ષો દ્વારા વાર્ષિક પાંચ બિલિયન વૃક્ષોની ખોટ સરભર કરી શકાય છતાં આવી પરિસ્થિતિ ચાલુ રહે તો ૩૦૦૦ વર્ષ પછી દુનિયામાં કોઈ વૃક્ષ જોવાં ન મળે તેવી ચિંતા પણ વ્યક્ત કરાઈ છે. વાર્ષિક ૧૦ બિલિયનના દરે વૃક્ષ કપાતા રહે તો ૧૫૦ વર્ષ પછી માથાદીઠ ૨૧૪ વૃક્ષનું પ્રમાણ થઈ જશે.

સંશોધકોએ એન્ટાર્ક્ટિકાને બાકાત રાખી પૃથ્વીના તમામ ખંડોના ૪૨૯,૨૭૫ પ્લોટના વનોમાં વૃક્ષોની સંખ્યાની ગણતરી કરવામાં સેટેલાઈટ, સ્થળ તપાસ તેમ જ ઉપલબ્ધ ડેટાની મદદ લીધી હતી. ઝૂલોજિકલ સોસાયટી ઓફ લંડનના નિષ્ણાત ડો. નાથાલી પેટ્ટોરેલીએ યુકે સાયન્સ મીડિયા સેન્ટરને આ મુદ્દે જણાવ્યું હતું કે, વૈશ્વિક વૃક્ષગણતરીનો આ છેલ્લો પ્રયાસ નથી. ક્રોથેર અને તેના સાથીઓનો પ્રથમિક અંદાજ મુખ્યત્વે યુરોપ અને નોર્ત અમેરિકામાં મેળવાયેલા ડેટાને આધારિત જ છે. કોન્ગો બેઝિન, ચીન, ઓસ્ટ્રેલિયા અથવા ભારતથી ઘણી ઓછી માહિતી મેળવાઈ છે.’

યેલ સ્કૂલ ઓફ ફોરેસ્ટ્રી એન્ડ એન્વિરોન્મેન્ટલ સ્ટડીઝના પોસ્ટ ડોક્ટરલ ફેલો અને અભ્યાસના મુખ્ય લેખક થોમસ ક્રોથેરના જણાવ્યા અનુસાર વૃક્ષો પૃથ્વી પરના અતિ મહત્ત્વપૂર્ણ ઓર્ગેનિઝમ છે. તેઓ પોષક પદાર્થોના સાયકલિંગ, જળ અને હવાની ગુણવત્તા તેમ જ અસંખ્ય માનવસેવા માટે આવશ્યક કાર્બનનો વિપુલ જથ્થાનો સંગ્રહ કરે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter