વીજળી અને ગેસના તોતિંગ બિલોની ચૂકવણી નહીં કરવા અભિયાનનો પ્રારંભ

સરકારે ડોન્ટ પે અભિયાનને બેજવાબદાર ગણાવ્યું

Wednesday 10th August 2022 05:36 EDT
 
 

લંડન

બ્રિટનમાં એક કેમ્પેન ગ્રુપ દ્વારા ઇંધણો અને વીજળીના વધી રહેલા ભાવના વિરોધમાં બિલોની ચૂકવણી નહીં કરવાનું આહવાન કરાયું છે. કેમ્પેન ગ્રુપના દાવા અનસાર 70,000 લોકોએ ગેસ અને ઇલેક્ટ્રિકના ડાયરેક્ટ બિલ પેમેન્ટ કેન્સલ કરી નાખ્યા છે. સરકારે આ પ્રકારના અભિયાનને અત્યંત બેજવાબદાર ગણાવ્યું છે. હાલમાં રેગ્યુલેટર ઓફજેમ દ્વારા સરકારની એનર્જી પ્રાઇસ કેપ એક સામાન્ય પરિવાર માટે 1971 પાઉન્ડ રખાઇ છે જે 1 ઓક્ટોબર સુધીમાં વધીને 3000 પાઉન્ડ પર પહોંચવાનો અંદાજ છે.  એપ્રિલ 2023 સુધીમાં આ બિલ 3700 પાઉન્ડ થઇ શકે છે. વીજળી અને ગેસના બિલોમાં થઇ રહેલા વધારાથી ચિંતિત એક જૂથે લોકોને બિલની ચૂકવણી નહીં કરવા આહવાન કર્યું છે અને હવે આ અભિયાનમાં જોડાનારા લોકોની સંખ્યા દર સપ્તાહે બમણી થઇ રહી છે.

ડોન્ટ પે અભિયાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આપણા રાજકિય નેતાઓ અને ઓઇલ-ગેસ કંપનીઓએ એવી એનર્જી સિસ્ટમ તૈયાર કરી છે જેમાં ભલેને પરિવારો પીસાઇ જાય પરંતુ તેમનો નફો વધતો રહે. એનર્જી કંપનીઓ વિક્રમજનક નફો રળી રહી છે ત્યારે સામાન્ય જનતા એનર્જી બિલની ચૂકવણી માટે સંઘર્ષ કરી રહી છે. આ બરાબર નથી. અમે તેનો સ્વીકાર કરતાં નથી. જો સરકાર અને એનર્જી કંપનીઓ કોઇ પગલાં નહીં લે તો આમ જનતા પગલાં લેશે. આમ જનતા જાતે કિંમત નક્કી કરશે અને સરકાર તથા એનર્જી કંપનીઓએ તેનો સ્વીકાર કરવો પડશે. એન્ડ ફ્યુઅલ પોવર્ટી નામના કેમ્પેન ગ્રુપના જણાવ્યા અનુસાર 2022ના અંત સુધીમાં 85 લાખ પરિવારો ફ્યુઅલ ગરીબીમાં ધકેલાઇ જશે. એનર્જી કંપનીઓ જે રીતે વિક્રમ સ્તરે નફો રળી રહી છે તેના કારણે જનતામાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.

સરકારને આ મામલામાં પગલા લેવા જનતા અપીલો કરી રહી છે પરંતુ સરકારના મંત્રીઓ અત્યારે ટોરી નેતાગીરીની સ્પર્ધાંમાં વ્યસ્ત થઇ ગયાં છે. સરકારે હાલ હંગામી રાહત આપતાં વીજળી બિલ માટે 400 પાઉન્ડ આપવાની જાહેરાત તો કરી છે પરંતુ તે આગામી પાંચ વર્ષમાં સરકાર દ્વારા આપોઆપ વસૂલી લેવાશે.

સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ અત્યંત બેજવાબદાર અભિયાન છે. તેના કારણે અન્યો માટે કિંમતોમાં વધારો થશે અને લોકોની પર્સનલ ક્રેડિટ રેટિંગ્સ પર પણ અસર થશે. સરકાર વૈશ્વિક કિંમતો નિયંત્રિત કરી શક્તી નથી. સરકારે પરિવારોને રાહત આપવા 37 બિલિયન પાઉન્ડના પેકેજની જાહેરાત કરી છે.

જાન્યુઆરી સુધીમાં એનર્જી બિલ 4200 પાઉન્ડ પર પહોંચવાની સંભાવના

બ્રિટનમાં જાન્યુઆરી મહિના સુધીમાં એનર્જી બિલ 4200 પાઉન્ડ પર પહોંચી જવાની સંભાવના જોતાં મોંઘવારી સામે સંઘર્ષ કરી રહેલા પરિવારોને સહાય કરવા નવું પેકેજ જાહેર કરવા સરકાર પર દબાણ વધી રહ્યું છે. કન્સલ્ટન્સી કોર્નવોલ ઇનસાઇટના જણાવ્યા અનુસાર આગામી વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં એનર્જી પ્રાઇસ કેપ 4266 પાઉન્ડ પ્રતિ વર્ષ પર પહોંચી જવાની સંભાવના છે. ત્યારબાદના ત્રિમાસિકમાં એનર્જી બિલ 4426 પાઉન્ડ પર પહોંચી શકે છે. 2023ના જુલાઇ મહિનાથી એનર્જી બિલમાં રાહત મળે તેવી સંભાવના છે. જથ્થાબંધ કિંમતોમાં વધારા અને રેગ્યુલેટર ઓફજેમ દ્વારા ઉપયોગમાં લેવાતી મેથડોલોજીના કારણે પ્રાઇસ કેપમાં વધારો થઇ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter