લંડન
એસોસિએશન ઓફ કન્વેનિયન્સ સ્ટોર્સે ચેતવણી ઉચ્ચારી છે કે વધી રહેલી એનર્જી કોસ્ટના કારણે હજારો કોર્નર શોપ્સ બંધ થવાની કગાર પર છે. ચાન્સેલર નદીમ ઝહાવીને લખેલા પત્રમાં વેપાર સંગઠને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા તાકિદે પગલાં નહીં લેવાય અને આર્થિક સહાય નહીં અપાય તો મોટી સંખ્યામાં દુકાનો બંધ કરવાની નોબત આવશે. 48000 દુકાનો અને તેમાં કામ કરતા 4 લાખ કરતાં વધુ લોકોનું પ્રતિનિધિત્વ કરતા એસોસિએશને જણાવ્યું છે કે વીજળીના બિલ સરેરાશ 45000 પાઉન્ડ પર પહોંચ્યાં છે જે અગાઉના બિલ કરતાં બમણાં છે. દુકાનદારોના વીજળીના કુલ બિલ 2.5 બિલિયન પાઉન્ડ પર પહોંચી ગયાં છે અને તેને પહોંચી વળવા માટે સરકાર દ્વારા તાત્કાલિક 575 મિલિયન પાઉન્ડની સહાય જાહેર કરાય. વીજળીના વધી રહેલા બિલના કારણે બ્રિટનમાં હજારો કંપનીઓ બંધ થવાનું જોખમ સર્જાયું છે. કોફેડરેશન ઓફ બ્રિટિશ ઇન્ડસ્ટ્રી (સીબીઆઇ)એ જણાવ્યું છે કે વેપાર ઉદ્યોગને મદદ કરવા સરકારે નિર્ણાયક પગલાં લેવાની જરૂર છે. વધી રહેલા વીજળીના બિલના કારણે સરકાર દ્વારા સહાય નહીં મળે તો આ શિયાળામાં હજારો કંપનીઓ બંધ થવાની સંભાવના છે. સીબીઆઇએ સરકારને વધુ એક વર્ષ માટે વીજળીના બિઝનેસ રેટ ફ્રીઝ કરવાની અપીલ કરી છે. સંગઠને જણાવ્યું છે કે જો સરકાર નિર્ણાયક પગલાં નહીં લે તો વેપાર ધંધા પડી ભાંગશે. સરકારે જરૂરીયાતમંદ પરિવારો અને કંપનીઓને તાત્કાલિક સહાય પૂર પાડવી જોઇએ. આ માટે સરકારે વધારાના ભંડોળની ફાળવણી કરવી જોઇએ. એસોસિએશન ઓફ કન્વેનિયન્સ સ્ટોર્સે જણાવ્યું છે કે સરકારે સમજવું જોઇએ કે આ કટોકટીનો સમય છે. આગામી મહિનાઓમાં વીજળીના બિલમાં હજારો પાઉન્ડના વધારો થતાં હજારો કન્વેનિયન્સ સ્ટોર્સે અત્યંત મુશ્કેલ નિર્ણયો લેવા પડશે. જેમાં રોકાણમાં કાપ, કર્મચારીઓના કલાકોમાં ઘટાડો, ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો જેવી બાબતોનો સમાવેશ થાય છે. જેના કારણે ફુગાવાના દરમાં પણ મોટો વધારો થશે. કેટલાક સ્ટોર માટે વીજળીના બિલ ભરવાનું પણ શક્ય રહેશે નહીં અને તેમના શટર પાડી દેવાની ફરજ પડી શકે છે. સરકારે નાના વેપાર ધંધા માટે અલગથી ઇમર્જન્સી એનર્જી પ્રાઇસ કેપ જાહેર કરવી જોઇએ અને બિઝનેસ રેટમાં વધુ વધારા પર રોક લગાવી દેવી જોઇએ.
હજારો પબ બંધ થવાની બીયર ઇન્ડસ્ટ્રીની ચેતવણી
બીયર ઇન્ડસ્ટ્રીએ જણાવ્યું છે કે વધી રહેલા વીજળીના બિલના મામલામાં સરકાર તાકિદે સહાય નહીં કરે તો દેશમાં હજારો પબ બંધ થઇ જશે. જેના કારણે આ સેક્ટરમાં કામ કરતા હજારો લોકો બેરોજગાર બની શકે છે. બ્રિટનમાં 47000 પબની માલિકી ધરાવતી કંપનીઓએ જણાવ્યું છે કે અમારા ભાડૂઆતો અમને નોટિસો આપી રહ્યાં છે કારણ કે તેઓ વીજળીના વધી ગયેલાં બિલ ભરવામાં સક્ષમ નથી. ગ્રીન કિંગ પબ ચેઇનના સીઇઓ નિક મેકેન્ઝીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના ફટકામાંથી માંડ ઊભા થયેલા આ સેક્ટરને હવે વીજળીના બિલનો ફટકો પડ્યો છે.
સરકાર વેપાર-ઉદ્યોગોને તાત્કાલિક સહાય પૂરી પાડે - કોફેડરેશન ઓફ બ્રિટિશ ઇન્ડસ્ટ્રીઝ
સીબીઆઇના ચીફ પોલિસી ડિરેક્ટર મેથ્યૂ ફેલે જણાવ્યું હતું કે, સરકારે સંઘર્ષ કરી રહેલા ગ્રાહકોને મદદ કરવાને પહેલી પ્રાથમિકતા આપવી જોઇએ. ઘણા વેપાર-ઉદ્યોગ તોતિંગ વીજળી બિલના ભારે દબાણનો સામનો કરી રહ્યાં છે અને સરકાર પગલાં નહીં લે તો ઘણી વિપરિત અસરો સર્જાશે. અમે એમ નથી કહેતા કે સરકાર વીજળના બિલ માફ કરી દે પરંતુ સરકારે એનર્જી કોસ્ટ ક્રાઇસિસમાં વેપાર ઉદ્યોગને સપડાતાં અટકાવવા જોઇએ. સરકાર દ્વારા નિર્ણાયક પગલું વેપાર-ઉદ્યોગોને કેશ ફ્લોમાં રાહત આપશે અને ટૂંકાગાળાની સમસ્યાને લાંબા ગાળાની સમસ્યા બનતી અટકાવશે. સીબીઆઇ દ્વારા કરાવાયેલા એક સરવેમાં જણાવવામાં આવ્યું હતું કે, દર 3 પૈકીનો એક વેપાર-ઉદ્યોગ વધી રહેલી ગેસની કિંમતોથી પરેશાન છે અને તેમના મૂડીરોકાણ વીજળીના બિલ ચૂકવવામાં જ ખર્ચાઇ રહ્યાં છે. સીબીઆઇએ સરકારને વિનંતી કરી છે કે સરકાર કંપનીઓ અને સ્વરોજગાર કરતા લોકોને ટેક્સ ચૂકવવા માટે વધુ સમય આપે અને મૂડીરોકાણ માટે મહામારીમાં અપાઇ હતી તે પ્રકારની લોન પણ આપે.


