વીજળીની અછત નિવારવા બ્રિટન ક્લાઇમેટ ચેન્જને ડિંગો બતાવશે?

ટ્રસના મંત્રીઓ થર્મલ પાવર સ્ટેશનોના સજ્જડ હિમાયતી

Wednesday 14th September 2022 05:35 EDT
 

લંડન

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના કારણે રશિયા દ્વારા ગેસના સપ્લાય પર કાપ મૂકાતાં એનર્જી કટોકટીનો સામનો કરી રહેલો બ્રિટન શું ક્લાઇમેટ ચેન્જની અસરોની અવગણના કરીને ફરી એકવાર થર્મલ પાવર સ્ટેશનો શરૂ કરશે? લિઝ ટ્રસની કેબિનેટમાં એનર્જી સેક્રેટરી તરીકે નિયુક્ત થયેલા જેકબ રીસ મોગના નિવેદનો આવો જ કંઇક સંકેત આપી રહ્યાં છે. વિવાદાસ્પદ જેકબ રીસ મોગ ક્લાઇમેટ સાયન્સને સ્વીકારતાં જ નથી અને કોલસા આધારિત પાવર સ્ટેશનો બંધ કરવાના નિર્ણયોના આકરા ટીકાકાર રહ્યાં છે. ક્લાઇમેટ ચેન્જ પર તેમના દ્વારા અગાઉ પણ અપાયેલા નિવેદનો ગ્રીન એક્ટિવિસ્ટોની ચિંતાનું કારણ બની રહ્યાં છે. 2013માં તેમણે જણાવ્યું હતું કે, ક્લાઇમેટ ચેન્જની કાગારોળના કારણે વીજળીની કિંમતો વધી રહી છે અને આ માટે તેમણે યુરોપિયન સંઘે લાદેલા નિયંત્રણોને પણ જવાબદાર ગણાવ્યા હતા. કોલસા આધારિત પાવર સ્ટેશનો બંધ થવા અને ગેસ સંશોધનની ધીમી ગતિને પણ તેમણે જવાબદાર ગણાવી હતી.

જેકબ રીસ મોગે ગ્રીન મૂવમેન્ટને વિનાશકારી ગણાવતા જણાવ્યું હતું કે, મુક્ત બજાર જ સરકારની એનર્જી અંગેની સમસ્યાઓનો અંત લાવી શકે છે તેથી સરકારે પર્યાવરણવાદીઓની ચેતવણીઓ કાન પર ધરવાનું બંધ કરી દેવું જોઇએ. 2014ના એક ઇન્ટર્વ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, ક્લાઇમેટ ચેન્જ અટકાવવાના પ્રયાસો કરવા કરતાં માનવીએ ક્લાઇમેટ ચેન્જને સ્વીકારી લેવો જોઇએ. હું ઇચ્છીશ કે બ્રિટનની જનતા વધુ પવનચક્કીઓ ધરાવવા કરતાં સસ્તી વીજળી પ્રાપ્ત કરે. ટ્રસના પર્યાવરણ મંત્રી રાનિલ જયવર્દને પણ ક્લાઇમેટ ક્રાઇસિસ સામેની નીતિઓની વિરુદ્ધમાં મતદાન કરતાં રહ્યા છે. ક્લાઇમેટ ચેન્જ અટકાવવા માટે લેવાતાં પગલાંની વિરુદ્ધમાં મતદાન કરતા રહેવાનો જયવર્દનેનો રેકોર્ડ રહ્યો છે. તેઓ રિન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટોમાં સરકારી સહાયના પણ વિરોધી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter