લંડનઃ બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની શરણાગતિને યાદ કરતાં 15 ઓગસ્ટ શુક્રવારના રોજ સ્ટેફર્ડશાયર ખાતે 80મા વીજે ડેની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે કિંગ ચાર્લ્સ, ક્વીન કેમિલા, વડાપ્રધાન સર કેર સ્ટાર્મર સહિતના મહાનુભાવો અને બીજા વિશ્વયુદ્ધમાં મહત્વની ભુમિકા ભજવનારા 33 વેટરન હાજર રહ્યાં હતાં. એશિયા અને પેસિફિકમાં બીજા વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા એલાઇડ ફોર્સિઝના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પતાં બે મિનિટનું મૌન પળાયું હતું. કિંગ ચાર્લ્સે તેમના સંદેશામાં બીજા વિશ્વયુદ્ધના અંત માટે મદદ કરનારા, સેવા આપનારા અને બલિદાન આપનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
કિંગ ચાર્લ્સે તેમના સંદેશામાં જણાવ્યું હતું કે, પેસિફિક અને ફાર ઇસ્ટમાં લડનાર અને શહીદ થનારાને ક્યારે ભૂલાશે નહીં. બીજા વિશ્વયુદ્ધમાં જાપાન સામે લડતાં બ્રિટન અને કોમનવેલ્થ દેશોના 71000 સૈનિક શહીદ થયાં હતાં. કિંગ ચાર્લ્સે જણાવ્યું હતું કે, અમેરિકાના વ્યૂહાત્મક નેતૃત્વમાં પ્રશાંત મહાસાગરમાં અંતિમ વિજય પ્રાપ્ત કરાયો હતો. આ યુદ્ધમાં મારા ગ્રેટ અંકલ લોર્ડ માઉન્ટબેટને નેતૃત્વ કર્યું હતું. જનરલ વિલિયમ સ્લિમ સાથે મળીને તેણે ભારત પરના જાપાની આક્રમણને પરાજિત કર્યું હતું અને બર્માને પુનઃહાંસલ કર્યો હતો.
બ્રિટિશ ઇન્ડિયન આર્મીના વેટરન કેપ્ટન યાવાર અબ્બાસને કિંગે સેલ્યૂટ કરી
આ પ્રસંગે 104 વર્ષીય વેટરન કેપ્ટન યાવાર અબ્બાસ પણ ઉજવણીમાં સામેલ થયાં હતાં. કેપ્ટન યાવાર અબ્બાસ બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ ઇન્ડિયન આર્મીની 11મી શીખ રેજિમેન્ટમાં કેપ્ટન તરીકે સેવા આપી રહ્યાં હતાં. તેમણે આ પ્રસંગે તેમની વોર ડાયરીમાંથી કેટલાંક અંશ રજૂ કર્યા હતા અને આ ડાયરી સાચવી રાખવા માટે પોતાની સ્વર્ગસ્થ પત્નીનો આભાર માન્યો હતો. કેન્સરની સારવાર ચાલી રહી હોવા છતાં હાજર રહેલા કિંગનો તેમણે આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હું અને કિંગ બંને કેન્સરથી પીડિત થયાં છીએ પરંતુ મને 25 વર્ષ પહેલાં કેન્સરમાંથી સાજાપણું મળ્યું છે. મને આશા છે કે હું સારા કામ કરવા જીવી રહ્યો છું. આ પહેલાં મેં બે વાર મોતનો સામનો કર્યો છે પરંતુ હજુ જીવી રહ્યો છું.


