લંડનઃ યુકેમાં વીમો ન હોય તેવા પૂરગ્રસ્ત મકાનો અને બિઝનેસીસને એક બિલિયન પાઉન્ડનું નુકસાન સહન કરવું પડશે. આવા પૂરગ્રસ્ત વિસ્તારોમાં કમ્બ્રીઆ, યોર્કશાયર અને લેન્કેશાયરનો સમાવેશ થાય છે. કુલ નુકસાન ૫.૮ બિલિયન પાઉન્ડને આંબી જશે. બ્રિટને લગભગ આટલી જ રકમ વિદેશમાં ગરીબ દેશોને ક્લાઈમેટ ચેન્જની સમસ્યા હલ કરવાના ખર્ચરૂપે પાંચ વર્ષના ગાળામાં આપવાની બાંહેધરી આપી છે. વિદેશી સહાય માટે બ્રિટનના ૧૨ બિલિયન પાઉન્ડના બજેટમાંથી થોડો હિસ્સો તેમની મદદમાં વપરાય તેવી પૂરગ્રસ્તોની માગણી છે. બ્રિટિશ કરદાતાઓના નાણા બ્રિટિશ નાગરિકોના રક્ષણ માટે જ વપરાય તેવી લાગણી બ્રિટિશ સાંસદોએ પણ વ્યક્ત કરી હતી.
ભારે પૂરની ચેતવણીઓ છતાં પૂરના જોખમ ધરાવતા વિસ્તારોમાં દર વર્ષે ૧૦,૦૦૦ મકાનો બાંધવામાં આવે છે. બીજી તરફ, સરકારના પીઠબળ સાથે એપ્રિલ મહિનાથી ચાલુ થનારી Flood Re યોજનાથી હજારો પરિવારોને પોસાય તેમ પૂર સામે વીમાનું છત્ર પ્રાપ્ત થશે. જોકે, આ યોજના ઘણી મોડી હોવાની ભારે ટીકાઓ થઈ છે. આ યોજના બિઝનેસીસ અથવા બાય-ટુ-લેટ પ્રોપર્ટીને આવરી લેતી ન હોવાથી તેઓએ ઈન્સ્યુરન્સના વધતા ખર્ચનો સામનો કરવો પડશે.
કેમરન પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે
વડા પ્રધાન ડેવિડ કેમરને યોર્કની પૂરગ્રસ્ત શેરીઓની મુલાકાત લઈ બચાવ અને રાહતકાર્ય પર દેખરેખ રાખી હતી. જોકે, તેમણે યોર્કની મુલાકાત જ લેતા લીડ્સના પૂરગ્રસ્તોએ વિરોધ પણ કર્યો હતો. લીડ્સમાં આયર નદીના પાણી રેકોર્ડ લેવલ પર પહોંચ્યા હતા અને ૨૦૦ ઘર તથા ૪૦૦ બિઝનેસીસ પર પૂરના પાણી ફરી વ્યાં હતાં. કેમરન સામે આક્ષેપ કરાયો હતો કે તેમણે ચાર વર્ષ અગાઉ લીડ્સમાં પૂર અટકાવ માટે લીધેલાં નાણાનો ઉપયોગ દક્ષિણમાં પૂરરક્ષણ માટે કર્યો હતો. જોકે, કેમરને ઉત્તર-દક્ષિણના ભેદભાવને નકારતા કહ્યું હતું કે સરકાર સાઉથની સરખામણીએ પૂરરક્ષણ માટે નોર્થમાં માથાદીઠ વધુ ખર્ચ કરે છે. કેમરને કહ્યું હતું કે સરકારે ૨૦૨૦ સુધીમાં પૂરરક્ષણ માટે ૨.૩ બિલિયન પાઉન્ડ ફાળવ્યા છે, જે રકમ ગત પાંચ વર્ષ કરતા ઘણી વધુ છે. કેમરને લેન્કેશાયર, કમ્બ્રીઆ અને યોર્કશાયરના પૂરગ્રસ્તો માટે અપાયેલા કુલ ૧૦ લાખ પાઉન્ડથી વધુ દાન આપનારા ઉદાર નાગરિકોનો આભાર માન્યો હતો.
યુકે ઈયુ સહાયમાંથી કેમ બાકાત?
સરકારે ઈયુ ભંડોળમાંથી આપત્તિરાહત માટે અરજી શા માટે કરી નથી, તેવો પ્રશ્ન સાંસદોએ ઉઠાવ્યો છે. ધ યુરોપિયન યુનિયન સોલિડારિટી ફંડમાંથી સભ્ય દેશોને કુદરતી આફતોનો સામનો કરવા મદદ અપાય છે. યુકે દ્વારા ૨૦૧૫માં આ યોજનાના ફાળા તરીકે ૩૫.૬ મિલિયન પાઉન્ડ અપાયા છે. નિયમો મુજબ કુદરતી આફતના પ્રથમ નુકસાનથી ૧૦ સપ્તાહમાં સહાય માટે અરજી કરવાની રહે છે. ગત ઉનાળામાં સર્બિયા, ક્રોએશિયા અને બલ્ગેરિયામાં ભારે પૂર પછી ફંડમાંથી ૬૦ મિલિયન પાઉન્ડની સહાય ચુકવાઈ હતી. બ્રિટનને પણ ૨૦૦૭ના પૂરના નુકસાન સામે ૧૩૦ મિલિયન પાઉન્ડની સહાય અપાઈ હતી.


