લંડનઃ સંસદમાં ડિબેટ દરમિયાન સાંસદ વીરેન્દ્ર શર્માએ ૧૬થી ૧૮ વર્ષની વયના વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન ફંડિંગ વધારવા સરકારને અનુરોધ કર્યો હતો. છેલ્લાં ૨૫ વર્ષમાં એજ્યુકેશન ફંડિંગમાં થયેલા ફેરફારોમાં ઈન્સ્ટિટ્યુટ ફોર ફિસ્કલ સ્ટડીઝ દ્વારા આ વયજૂથને સૌથી વધુ નુક્સાન વેઠતું દર્શાવાયું હતું. સ્કૂલો અથવા યુનિવર્સિટીઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટેના ફંડિંગ કરતાં આ વિદ્યાર્થીઓ (સિક્સ્થ ફોર્મના) માટેનું ફંડિંગ ખૂબ ઓછું હોવાની વાત ચર્ચામાં થઈ હતી. સિક્સ્થ ફોર્મ કોલેજીસ એસોસિએશનના સર્વેમાં જણાયું હતું કે ફંડિંગના દબાણને લીધે કોર્સ બંધ થવા, સ્ટુડન્ટ સપોર્ટ સર્વિસીસમાં કાપ અને ક્લાસમાં નિયત કરતાં ખૂબ વધારે વિદ્યાર્થીઓનો સમાવેશ કરાય છે.
ઈલિંગ સાઉથોલના સાંસદે ડિબેટનો ઉપયોગ ૧૬થી ૧૮ વર્ષની વયના વિદ્યાર્થીઓ માટેનું હાલનું એજ્યુકેશન ફંડિંગ વિદ્યાર્થી દીઠ ૪,૦૦૦ પાઉન્ડ છે તે વધારીને ૪,૭૬૦ પાઉન્ડ કરવાના રેઈઝ ધ રેટ કેમ્પેઈનના અનુરોધને સમર્થન આપવા કર્યો હતો. તેના પ્રતિભાવમાં એજ્યુકેશન મિનિસ્ટર મીશેલ ડોનેલને જણાવ્યું હતું કે સરકાર આ ડિબેટમાં રજૂ કરાયેલા શિક્ષણના આ મુદ્દાઓની આ વર્ષના સ્પેન્ડિંગ રિવ્યૂમાં નોંધ લેશે.
ડિબેટમાં વીરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે,‘ ડિબેટમાં ૧૬થી ૧૮ વર્ષની વયના વિદ્યાર્થીઓ માટેના ફંડિંગમાં વધારા માટે મિનિસ્ટરને સીધી રજૂઆત કરવા મળી હતી. આ વયજૂથની લાંબા સમયથી અવગણના કરાય છે. સ્કૂલો અને કોલેજો વિદ્યાર્થીઓને વિશ્વકક્ષાનું શિક્ષણ આપે તે માટે આપણે તેમને જરૂરી ફંડિંગ આપતા નથી. હું આ વયજૂથ માટે ફંડિંગ વધે તે માટે અભિયાન ચાલુ રાખીશ.’
સિક્સ્થ ફોર્મ કોલેજીસ એસોસિએશનના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ જેમ્સ કેવિને જણાવ્યું હતું,‘ વીરેન્દ્ર શર્મા ડિબેટમાં હાજર રહ્યા અને સિક્સ્થ ફોર્મ એજ્યુકેશનમાં મૂડીરોકાણ વધારવા માટે સચોટ રજૂઆત કરી તે બદલ અમે ખૂબ ખુશ છીએ. રેઈઝ ધ રેટ કેમ્પેન માટે તેમના તરફથી સતત મળી રહેલા સમર્થન બદલ અમે તેમના આભારી છીએ. આ વર્ષના સ્પેન્ડિંગ રિવ્યૂમાં તેમની સાથે મળીને કામ કરવા અમે ઉત્સુક છીએ.’