વુલ્વરહેમ્પટનમાં ધોળા દિવસે હત્યા માટે ચાર ભાઇઓને કુલ 66 વર્ષની કેદ

મોહમ્મદ ખાન પર અસદ ઇફ્તખાર, હસન ઇફ્તખાર, ઝૈન રાજા અને અમાન ખાને જીવલેણ હુમલો કર્યો હતો

Tuesday 05th May 2026 11:30 EDT
 
 

લંડનઃ બ્રિટનના વુલ્વરહેમ્પટન ખાતે ધોળા દિવસે એક યુવકની ઘાતકી હત્યા કરનાર એક જ પરિવારના ચાર સભ્યોને અદાલતે કુલ 60 વર્ષથી વધુની જેલની સજા ફટકારી છે. આ ભયાનક હુમલામાં બે જોડિયા ભાઈઓ, તેમનો ત્રીજો ભાઈ અને એક પિતરાઈ ભાઈ સામેલ હતા, જેમણે રસ્તા પર પસાર થતા લોકોની નજર સામે જ હિંસાનું વરવું પ્રદર્શન કર્યું હતું.

22 વર્ષીય મોહમ્મદ ખાન પર અસદ ઇફ્તખાર, હસન ઇફ્તખાર, ઝૈન રાજા અને અમાન ખાને તૂટી પડી લાતો, મુક્કા અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. બે જૂથો વચ્ચેના જૂના વિવાદનો નિકાલ લાવવા માટે જાહેર રસ્તા પર ખેલાયેલા આ લોહિયાળ જંગમાં મોહમ્મદને માથાના ભાગે ગંભીર ઈજાઓ અને છરીના અનેક ઘા વાગ્યા હતા. હોસ્પિટલ ખસેડાયાના ગણતરીના કલાકોમાં જ તેનું મોત નીપજ્યું હતું.

આ કેસમાં ચોંકાવનારી બાબત એ રહી કે જ્યારે મોહમ્મદ ખાનના ભાઈઓ તેના લોહીલુહાણ અને નિષ્પ્રાણ દેહને ઘટનાસ્થળેથી લઈ જઈ રહ્યા હતા, ત્યારે હત્યારાઓ હસી રહ્યા હતા અને આ આખી ઘટનાનું મોબાઈલમાં શૂટિંગ કરી રહ્યા હતા.

વુલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટના જજ માઈકલ ચેમ્બર્સે આ ઘટનાને બદલો લેવા માટે કરવામાં આવેલી હત્યા ગણાવી હતી.

  • અસદ ઇફ્તખાર (34): હત્યા અને છરી રાખવાના ગુનામાં આજીવન કેદ (ઓછામાં ઓછી 22 વર્ષની જેલ).
  • હસન ઇફ્તખાર (34): હત્યા અને કુહાડી રાખવાના ગુનામાં આજીવન કેદ (ઓછામાં ઓછી 18 વર્ષની જેલ).
  • ઝૈન રાજા (23): હત્યાના ગુનામાં આજીવન કેદ (ઓછામાં ઓછી 18 વર્ષની જેલ).
  • અમાન ખાન (22): મનુષ્ય વધના ગુનામાં 8 વર્ષની જેલ.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter