લંડનઃ ચીનમાં ફેલાયેલા નવતર જીવલેણ કોરોનાવાઈરસના કેન્દ્ર વુહાનમાંથી નવ દિવસ અગાઉ આવેલા આશરે ૪૮૦ પ્રવાસીની શોધ સત્તાવાળાઓ ચલાવી રહ્યા છે. બ્રિટનમાં કુલ ૧૯૦ લોકોના વાયરસ પરીક્ષણમાંથી એક જ પરિવારના બે સભ્ય વુહાન કોરોના વાયરસ માટે પોઝિટિવ હોવાનું જણાતા તેમને આઈસોલેશનમાં મૂકાયા છે બાકીના લોકોના ટેસ્ટ નેગેટિવ રહ્યા હતા. બ્રિટિશ સરકારે કોરોના વાઈરસ બ્રિટનમાં ન પ્રસરે તે માટે તાકીદના પગલાં તરીકે લોકોને માહિતગાર કરવા મોટા પાયે જાહેરાત અભિયાન આરંભ્યું છે. આ વાયરસના કારણે ચીનમાં મૃત્યુઆંક ૩૦૪ થયો છે અને ચેપગ્રસ્ત કેસની સંખ્યા ૧૪,૩૮૦ના આંકડે પહોંચી છે. ચીન સિવાય વિશ્વમાં કોરોનાવાઈરસના ચેપથી સૌપ્રથમ મૃત્યુ ફિલિપાઈન્સમાં નોંધાયું છે.
ચીનથી પ્રસરેલા કોરોનાવાઈરસે વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. ચીનના વાયરસગ્રસ્ત શહેર વુહાનથી આશરે ૪૮૦ પ્રવાસી નવ દિવસ અગાઉ બ્રિટન આવ્યા હોવાનું મનાય છે. આ પ્રવાસીઓની નોંધણી થયેલી નથી અને સત્તાવાળાઓએ તેમની શોધખોળ આદરી છે. બીજી તરફ, શુક્રવારે યુકેની ચીનથી પરત લવાયેલા ૮૩ બ્રિટિશરો ૧૪ દિવસના ક્વોરેન્ટાઈનમાં સમય વીતાવી રહ્યા છે અને વધુ ૧૧ બ્રિટિશ નાગરિકોને રવિવારે ચીનથી લાવવામાં આવ્યા છે. વૈકલ્પિક ફ્લાઈટ્સમાં પ્રવાસ કરીને આવેલા બ્રિટિશરોને મર્સીસાઈડમાં એરોપાર્ક હોસ્પિટલમાં રહેલાં અન્યોની સાથે રાખવામાં આવ્યાં છે.
ચીનમાં ૩૦૦થી વધુ લોકોને મોતનો કોળિયો બનાવનારા કોરોનાવાયરસના બે કેસને બ્રિટનમાં સમર્થન મળ્યું છે, જેમાં યુનિવર્સિટી ઓફ યોર્કના એક વિદ્યાર્થી અને તેના સંબંધીનો સમાવેશ થાય છે. તેમણે યોર્કની સ્ટેસિટી એપાર્ટમેન્ટ હોટેલમાં રોકાણ કર્યું હતું અને હાલ ન્યુકેસલમાં સ્પેશિયલ યુનિટની સારવાર હેઠળ છે. આ બે ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે ૧૫ મિનિટ જેટલો સમય સાથે વીતાવ્યો હોય તેમને શોધવાના પ્રયાસ પણ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા કરાયા છે. આ લોકો સરકાર દ્વારા વહાનથી લોકોને પાછા લાવનારી ફ્લા્ઈટમાં ન હતા પરંતુ, પહેલાથી જ બ્રિટન આવી ગયા હતા.
બ્રિટિશરોને કોરોનાવાયરસના ભય વિશે જાગૃત કરવા રવિવારથી માહિતી અભિયાન શરૂ કરાયું છે. છીંક અથવા ઉધરસ ખાતી વખતે ટિસ્યુના ઉપયોગ કરવા તેમજ નિયમિત હાથ ધોવાનું જણાવતી જાહેરખબરોનો મારો અખબારો, રેડિયો અને સોશિયલ મીડિયા પર શરૂ કરાયો છે. હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર જાહેરાતોનું લક્ષ્ય યુકેમાં ચાઈનીઝ નાગરિકો દ્વારા વંચાતા હોય તેવા પ્રકાશનો અને ફોરમ બની રહેશે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું છે કે યુકેના તબીબો બીમારીના ફેલાવાને અટકાવવા દિનરાત કાર્ય કરી રહ્યા છે, જેમાં સામાન્ય જનતા પણ પોતાનો ફાળો આપી શકે છે.
ચીનથી કેટલોક સ્ટાફ પાછો ખેંચી વુહાનમાં બ્રિટિશ કોન્સ્યુલેટ-જનરલની ઓફિસ બંધ કરી દેવાઈ છે ત્યારે ફોરેન ઓફિસે જણાવ્યું હતું કે વુહાનથી પોતાના નાગરિકો પાછા લાવતા ઈયુ દેશોના બચાવવિમાનોમાં ત્યાં બાકી રહેલા બ્રિટિશ નાગરિકોને પણ સમાવી લેવાય તેના પ્રયાસો થઈ રહ્યા છે. બીજી તરફ, ટેકનોલોજી જાયન્ટ એપલ દ્વારા નવ ફેબ્રુઆરી સુધી તેની ૪૨ શોપ્સ બંધ કરી દેવાઈ છે અને કતાર એરવેઝ પણ ચીનમાં ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરનારી એરલાઈન્સમાં ઉમેરાઈ છે.


