લંડનઃ ઓનલાઇન મુલાકાત બાદ 15 વર્ષીય બે સગીરાઓ પર બળાત્કાર અને એક 12 વર્ષીય સગીરા અશ્લિલ તસવીરો શેયર કરવા માટે વૂલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટે વેલિંગ્ટન રોડના 21 વર્ષીય ગુરપ્રીત રંધાવાને 18 વર્ષ જેલની સજા ફટકારી હતી. રંધાવાએ જુલાઇ 2024થી સપ્ટેમ્બર 2025 વચ્ચે આ અપરાધ આચર્યા હતા. છેલ્લા અપરાધમાં તેણે કારમાં સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો અને સગીરાએ વિરોધ કરતાં તેનું ગળુ દબાવ્યું હતું.
રંધાવા વિવિધ નામ ધારણ કરીને સોશિયલ મીડિયા પર સગીરાઓનો સંપર્ક કરતો હતો અને તેમની સાથે સેક્સ અંગે વાતો કરતો હતો. તે તેમને પોતાની અશ્લિલ તસવીરો અને વીડિયો મોકલતો અને સગીરાઓને પણ તેમ કરવા ધમકી આપતો હતો. તે સગીરાઓ પર તેમની મિત્રો પાસે પણ આ કામ કરાવવા દબાણ કરતો હતો. બળાત્કાર કરતી વખતે તે ડ્રગ્સનું સેવન કરતો અને વીડિયો ઉતારી લેતો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, સગીરાઓએ દાખવેલા સાહસના કારણે અમે રંધાવાને ઝડપી શક્યા હતા. તેણે અદાલતમાં તેના પર મૂકાયેલા આરોપ કબૂલી લીધા હતા.


