લંડનઃ આયર્લેન્ડ બાદ હવે યુકેમાં રેસિસ્ટ હેટ ક્રાઇમ નોંધાયો છે. વૂલ્વરહેમ્પટનમાં બે શીખ વ્યક્તિ પર કેટલાક સગીરો દ્વારા રેસિસ્ટ હુમલો કરાયો હતો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં 3 શ્વેત સગીરો શીખ વ્યક્તિઓને માર મારતા જોઇ શકાય છે. વીડિયોમાં આસપાસના લોકો આમ ન કરવા બૂમો પાડતા સાંભળી શકાય છે. હુમલાના કારણે સમાજમાં ઘણો રોષ ફેલાયો છે. ભારતમાં શિરોમણિ અકાલી દળના નેતા સુખબીર બાદલે દાવો કર્યો હતો કે સગીરો દ્વારા શીખોની પાઘડી પણ ઉછાળવામાં આવી હતી. પોલીસે આ ત્રણેની ધરપકડ બાદ જામીન પર મુક્ત કર્યા હતા.
બાદલે આ હુમલાને ભયાનક ગણાવતા ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સમક્ષ આ મામલો યુકેની સરકાર સમક્ષ ઉઠાવવા માગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું આ હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. સૌનું ભલું ઇચ્છતા શીખ સમુદાયને હંમેશા રેસિસ્ટ હેટ ક્રાઇમનો ભોગ બનવું પડે છે. સમગ્ર વિશ્વમાં શીખ સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઇએ. હું વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ અને યુકેની હોમ ઓફિસને પીડિતોને ન્યાય માટે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરું છું.
બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસે પણ આ ઘટનાને વખોડી કાઢતાં જણાવ્યું હતું કે, અમે રેલવે નેટવર્ક પર આ પ્રકારના વર્તનને જરાપણ સાંખી લઇશું નહીં. અમે આ ઘટનાની વિસ્ત તપાસ કરી રહ્યાં છીએ. ઘટનાસ્થળેથી 3 સગીરની ધરપકડ કરાઇ હતી.
સ્થાનિક સાંસદ સુરીના બ્રેકનરિજે ઘટનાની ટીકા કરતાં જણાવ્યું હતું કે, વૂલ્વરહેમ્પટનને તેના સમાજ પર ગૌરવ છે. આવા સમયે આપણે શાંતિ જાળવીને એકતા પ્રદર્શિત કરવાની છે. પોલીસની ત્વરિત કામગીરીને હું બિરદાવું છું.


