લંડનઃ ઇંગ્લેન્ડના વેસ્ટમિડલેન્ડના વૂલ્વરહેમ્પટન ખાતે આવેલા ગુજરાતી એસોસિએશનમાં આયોજિત લગ્નસમારોહ સમયે સામસામા ગોળીબારની ઘટનાની પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. આ સમયે લગ્નસમારોહમાં 100 કરતાં વધુ મહેમાન હાજર હતાં. જોકે સદ્દભાગ્યે આ ગનફાઇટમાં કોઇને ઇજા થઇ નહોતી.
1 જુલાઇના શનિવારે મેર્રિડેલ ખાતે આવેલી મેન્ડર સ્ટ્રીટ પરના ગુજરાતી એસોસિએશન ખાતે રાતના 9-30 કલાકે ગોળીબાર થયાના સંખ્યાબંધ કોલ્સ પોલીસને મળ્યાં હતાં. પોલીસના જણાવ્યા અનુસાર ગુજરાતી એસોસિએશનના પાછળના ભાગમાં એક કાર આવી હતી અને તેમાંથી બહાર આવેલી વ્યક્તિએ તે સ્થળે પાર્ક કરાયેલી અન્ય કાર પર સંખ્યાબંધ ગોળીબાર કર્યાં હતાં. આ ગોળીબાર થયા બાદ લગ્નસમારોહની દિશામાંથી કોઇ વ્યક્તિ દ્વારા પ્રથમ હુમલો કરનાર વ્યક્તિ તરફ ગોળીબાર કરાયાં હતાં. આ ઘટનામાં કોઇને ઇજા થઇ નહોતી પરંતુ એક વાહનને નુકસાન થયું હતું. પોલીસે વાહનની ફોરેન્સિક તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ પણ ખંગાળી રહી છે.
વૂલ્વરહેમ્પ્ટનના ચીફ ઇન્સ્પેક્ટર પોલ સધર્ને જણાવ્યું હતું કે, આ એક અંધાધૂંધ હુમલો હતો અને સદ્દનસીબે તેમાં કોઇનું મોત અથવા કોઇને ગંભીર ઇજા થઇ નથી. આ લગ્ન સમારોહમાં 100 કરતાં વુ વ્યક્તિ હાજર હતી. અમે સાક્ષીઓને આગળ આવવાની અપીલ કરી છે જેથી ઘટનામાં સંડોવાયેલી વ્યક્તિઓને ઝડપી શકાય.


