લંડનઃ નેશનલ હેલ્થ સ્કીમ (NHS)માં પથારીઓ રોકાઈ રહેવાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે હોસ્પિટલ્સમાં વૃદ્ધ અને નાજૂક પેશન્ટ્સને પથારી ખાલી કરવાની નોટિસો અપાઈ છે. જો વૃદ્ધ પેશન્ટ્સના સગાં ત્રણ સપ્તાહમાં કેર હોમની વ્યવસ્થા નહિ કરે તો આવા પેશન્ટ્સને હોસ્પિટલોમાંથી બહાર કરવામાં આવશે. કેર હોમ્સની ફી વધી જવાથી પણ સંતોષકારક કેર હોમ ન મળે તો વૃદ્ધ પેશન્ટ્સને વોર્ડ્સમાં રાખી મૂકાય છે.
વયોવૃદ્ધ લોકોની સારસંભાળ કટોકટી વધી રહી છે. NHS ના સત્તાવાર આંકડા અનુસાર સગાંસંબંધીઓ કેર હોમ વિશે નિર્ણય કરી શકતા ન હોવાથી દર વર્ષે પેશન્ટ્સ હોસ્પિટલમાં પથારી ખાલી કરતા ન હોવાના કારણે ૨૨૦,૦૦૦થી વધુ દિવસોનો વિલંબ થતો હોય છે. વેસ્ટ મિડલેન્ડ્સની હોસ્પિટલોએ સારવારની નહિ પરંતુ ઘરમાં સારસંભાળની જરૂર હોય તેવા વૃદ્ધ પેશન્ટ્સને તબીબી દૃષ્ટિએ ફીટ હોવાનું સાબિત થયાના ત્રણ સપ્તાહમાં પથારી ખાલી ન કરે તો કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.


