વૃદ્ધ વસ્તી અને હેલ્થકેરનો ખર્ચ આવરી લેવા વેલ્થ ટેક્સ આવશ્યક

Wednesday 16th February 2022 06:29 EST
 

લંડનઃ વૃદ્ધોની વસ્તી અને હેલ્થકેર ખર્ચમાં વધારાના કારણે આ દાયકાના અંત સુધીમાં સરકાર દ્વારા ખર્ચામાં વાર્ષિક ૭૬ બિલિયન પાઉન્ડનો વધારો થશે અને આ ખર્ચને આવરી લેવા ઈન્કમ અને વેલ્થ ટેક્સીસ જરૂરી બની રહેશે તેમ ધ રેઝોલ્યુશન ફાઉન્ડેશન થિન્ક ટેન્કે જણાવ્યું છે.

ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ ૨૦૩૦ સુધીમાં યુકેના સરકારી ખર્ચાનું કદ જર્મની જેટલું થઈ જશે અને ઊંચા ખર્ચાને્ પહોંચી વળવા નાણા એકત્ર કરવાની નવી પદ્ધતિઓ પણ અમલમાં મૂકવી પડશે. બ્રિટન માટે જાહેર ખર્ચાનું ભારણ નથી તેમ જણાવી થિન્ક ટેન્કે કહ્યું છે કે સંરક્ષણ ખર્ચામાં ઘટાડો અને નેશનલ ઈન્સ્યુરન્સમાં ફાળો વધારવા સહિત નાણાપ્રાપ્તિના જૂના માર્ગ ચાલી શકે તેમ નથી.

રેઝોલ્યુશન ફાઉન્ડેશને આગાહી કરી છે કે બેબી બૂમર જનરેશન નિવૃત્ત થશે અને આયુષ્ય મર્યાદા વધવાથી સરકારનું પેન્શન બિલ વાર્ષિક ૨૪ બિલિયન પાઉન્ડ જેટલું વધશે. વસ્તીમાં ફેરફારના પરિણામે NHS પર બોજો વધવાથી વધારાનો ૫૨ મિલિયન પાઉન્ડનો ખર્ચ આવશે. હાલ જાહેર ખર્ચાનું પ્રમાણ અર્થતંત્રના GDPના ૪૨ ટકા જેટલું છે તે વધીને ૪૪ ટકા થઈ જશે. જર્મની માટે કોવિડ અગાઉ જાહેર ખર્ચ GDPના ૪૫ ટકાનો હતો.

ફાઉન્ડેશનના સીનિયર ઈકોનોમિસ્ટ ડાન ટોમાલિસને જણાવ્યું છે ગત સાત દાયકામાં યુકેએ NHS, સરકારી પેન્શન અને શિક્ષણ ખર્ચાને વિસ્તાર્યા છે. આર્મી પાછળ ખર્ચ ઘટાડી તેમજ નેશનલ ઈન્સ્યુરન્સ ફાળા વધારીને ચલાવ્યું છે પરંતુ, હવે આવક અને સંપત્તિ પર વધુ અને વાજબી ટેક્સ નાખવાની જરૂર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter