વૃદ્ધત્વ માણવામાં બ્રિટન ૧૦મા ક્રમે

Saturday 26th September 2015 08:07 EDT
 
 

લંડનઃ વિશ્વમાં વૃદ્ધત્વને રોજબરોજ સારી રીતે માણવા માટેના ટોપ ટેન સ્થળોમાં બ્રિટનનો સમાવેશ ૧૦મા ક્રમે કરાયો છે. યાદીમાં પ્રથમ ક્રમે સ્વીટ્ઝર્લેન્ડ અને તે પછી નોર્વે, સ્વીડન, જર્મની, કેનેડા, નેધરલેન્ડ્ઝ, આઈસલેન્ડ, જાપાન, યુએસ આવે છે. જોકે, બ્રિટનમાં તમામ માટે મફત આરોગ્યસંભાળ હોવાં છતાં હેલ્થ કેટેગરીમાં તેનો ક્રમ ૨૭મો છે.

ઉદાર પેન્શન્સ, ફ્રી બસ પાસીસ, ફ્રી ટેલિવિઝન લાયસન્સ, વિન્ટર હીટિંગ એલાવન્સ અને તેમની સમસ્યાઓ સાંભળવા શાસનની તૈયારી સહિતના કારણોએ બ્રિટનને ટોપ ટેનની યાદીમાં મૂક્યું છે. હેલ્પએજ ઈન્ટરનેશનલ અને સાઉધમ્પટન યુનિવર્સિટીના સંયુક્ત અભ્યાસમાં જણાવાયું છે કે બ્રિટન યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. વૃદ્ધોની આવક વધે અને તેઓ સક્રિય રહે તે બાબતે વધુ ધ્યાન અપાઈ રહ્યું છે.

જોકે, ખાટલામાં મોટી ખોડ એ રહી છે કે તમામને મફત હેલ્થકેરની વ્યવસ્થા હોવાં છતાં ચિલી અને કોસ્ટા રિકા જેવાં ગરીબ દેશો કરતાં પણ બ્રિટન હેલ્થ કેટેગરીમાં પાછળ ૨૭મા ક્રમે રહ્યું છે. નબળી સામાજિક સંભાળ તેમ જ હોસ્પિટલો અને કોમ્યુનિટી આધારિત સપોર્ટને સાંકળવાની નિષ્ફળતાને આ માટે જવાબદાર માનવામાં આવે છે.

ઘણાં વૃદ્ધો સારવાર પછી પણ હોસ્પિટલમાં રહે છે કારણ કે તેમને જવા માટે અન્ય કોઈ જગ્યા હોતી નથી. કેટલાંક ડિસ્ચાર્જ થઈ એકલવાયા ઘરમાં રહે છે. એકલતાનો દર ઘણો ઊંચો રહેવાથી અન્ય દેશોની સરખામણીએ બ્રિટનમાં વૃદ્ધોનું માનસિક આરોગ્ય નબળું લેખાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter