લંડન
એનએચએસએ ઇંગ્લેન્ડમાં કોવિડ-19 સામે રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરવા માટે સ્પ્રિંગ બૂસ્ટર ડોઝ આપવાનો પ્રારંભ કર્યો છે. આ બૂસ્ટર ડોઝ 75 વર્ષ કે તેથી વધુના 50 લાખ લોકોને આપવામાં આવી રહ્યાં છે. સોમવારથી એનએચએસની ટીમોએ કેર હોમ્સમાં વસવાટ કરતા વૃદ્ધોને બૂસ્ટર ડોઝ આપવાનો પ્રારંભ કર્યો હતો. અન્ય એલિજિબલ લોકોને મધ્ય એપ્રિલથી બૂસ્ટર ડોઝ અપાશે. આ માટેનું બુકિંગ પાંચ એપ્રિલથી શરૂ કરાયું છે.
વેક્સિનેશન માટેના એનએચએસના ડિરેક્ટર સ્ટીવ રસેલે જણાવ્યું હતું કે, જે લોકો 75 કે તેથી વધુ વયના છે અથવા તો જેમની રોગપ્રતિકારક ક્ષમતા ઘણી નબળી છે તેવા પાંચ વર્ષથી વધુ વયના લોકોને બૂસ્ટર ડોઝ આપવાનો પ્રારંભ કરાયો છે. તેમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર, બ્લડ કેન્સરથી પીડાતા, કેન્સરની સારવાર માટે કિમોથેરાપી લઇ રહેલા લોકોને પણ આ બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ કરાવાશે. આવા લોકોને એનએચએસના એપ દ્વારા બૂસ્ટર ડોઝ લેવાનું આમંત્રણ અપાઇ રહ્યાં છે. બૂસ્ટર ડોઝ આપવા માટે ઇંગ્લેન્ડમાં 3000 સ્થળ નક્કી કરાયાં છે. ફાર્મસી અને જીપી સર્જરી ખાતે પણ બૂસ્ટર ડોઝ અપાશે.


