લંડનઃ સામાન્યપણે વૃદ્ધ લોકો સ્મૃતિભ્રંશ અથવા અલ્ઝાઈમરના રોગથી પીડાતા જોવા મળે છે. પશ્ચિમી વિશ્વસમાજમાં વડીલો તરફ સન્માનનો અભાવ અલ્ઝાઈમરના રોગચાળાને વધારતો હોઈ શકે તેમ ચેતવણી વિજ્ઞાનીઓએ આપી છે. તેઓ માને છે કે લોકોને સન્માનપૂર્વક વૃદ્ધત્વ તરફ પ્રયાણ કરવા દેવાય તેવી સ્થિતિમાં ડિમેન્શિયા અટકાવી શકાય છે. વૃદ્ધત્વ વિશેના નકારાત્મક વિચારોની અસર પણ તેમના પર થાય છે.
યુએસમાં યેલ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા સૌપ્રથમ અભ્યાસ જણાવે છે કે બીબાંઢાળ અને નકારાત્મક સામાજિક અને સાંસ્કૃતિક કારણો વયસંબંધિત રોગના વિકાસને પ્રભાવિત કરી શકે છે. સરળ રીતે કહીએ તો વૃદ્ધાવસ્થામાં માનસિક અને શારીરિક રીતે અશક્ત બની જવાય તેવી સામાજિક માનસિકતાના તેઓ શિકાર બને છે. વાસ્તવમાં આવા નકારાત્મક વિચારો તેમના મગજમાં ફેરફારો લાવે છે અને સ્મૃતિભ્રંશ તરફ ધકેલતા હોવાનું વિજ્ઞાનીઓ માને છે. આનાથી વિપરીત, વયઆધારિત બીબાંઢાળ સંજોગોનો સામનો કરવાનું નકારતા ઉત્સાહી, આશાવાદી અને સક્રિય વ્યક્તિઓ લાંબા સમય સુધી માનસિક રીતે ચપળ રહેવાની શક્યતા વધુ હોય છે.


