લંડનઃ ઓલ્ડ બેઈલી કોર્ટે નવ અપરાધીની બનેલી ‘બેન્ક ઓફ ટેરર’ કુરિયર ગેંગને દેશના સૌથી મોટા કુરિયર છેતરપીંડી કૌભાંડમાં ભૂમિકા બદલ દોષિત જાહેર કરી છે. અપરાધીઓએ સાત પેન્શનર વૃદ્ધો સાથે કુલ ૨૭૩,૦૦૦ પાઉન્ડની છેતરપીંડી કરી હતી, જેમાં નોર્થ વેસ્ટ લંડનના ૯૪ વર્ષીય વૃદ્ધ સાથે ૧૩૦,૦૦૦ પાઉન્ડની છેતરપીંડી મુખ્ય છે. આ નાણાનો ઉપયોગ ત્રાસવાદને ઉત્તેજન આપવામાં થતો હોવું કહેવાય છે. જોકે, આવો આરોપ લગાવાયો ન હોવાથી જ્યુરીએ તેના પર વિચાર કર્યો ન હતો. આવી ઘણી ગેંગની બ્રિટનમાં જાળ ફેલાયેલી છે અને સંખ્યાબંધ ભારતીયો પણ છેતરપીંડીનો શિકાર બન્યા હોવાનું કહેવાય છે. આ કૌભાંડના એક આરોપી મોહમ્મદ દાહીરને જામીન પર છોડાવવા લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને કોર્ટને પત્ર લખ્યો હતો.
કૌભાંડકારો યુક્તિપૂર્વક વૃદ્ધોને બેન્કખાતામાંથી નાણા ઉપાડવતા અને તેમના ખાતાઓમાં છેતરપીંડીની પ્રવૃત્તિઓ અંગે પોલીસ તપાસ ચાલતી હોવાનું સમજાવી નાણા પોતાની પાસે રાખતા હતા. દસ મહિની પોલીસ તપાસના અંતે આ કાવતરાનો સૂત્રધાર મખ્ઝુમી અબુકર હોવાનું બહાર આવ્યું હતું. ડિટેક્ટીવ્સ માને છે કે આ જૂથ મોટા પાયે છેતરપીંડીના કૌભાંડ સાથે સંકળાયેલું છે કારણ કે ભય અને લાલચ થકી આશરે ૧૪૦ શિકારને અંદાજે ૧૦ લાખ પાઉન્ડની રકમ સોંપી દેવા સમજાવાયા હતા. ૯૪ વર્ષના વૃદ્ધે તેમની આખી જિંદગીની બચત ગુમાવી હતી, જ્યારે ૮૩થી ૯૧ વર્ષના અન્ય વૃદ્ધોએ ૮૦૦૦થી ૧૩૫,૦૦૦ પાઉન્ડની રકમો ગુમાવી હતી. ત્રણ આરોપીને ફ્રોડ આચરવાના તેમજ એક આરોપીને મની લોન્ડરિંગ ગુના માટે દોષિત ઠરાવાયા હતા. અન્ય પાંચ આરોપીએ અગાઉ જ ફ્રોડના કાવતરા અને મની લોન્ડરિંગ ગુનાની કબૂલાત કરી હતી.
સ્કોટલેન્ડના કાઉન્ટર-ટેરર યુનિટે જણાવ્યું હતું કે તેમના માનવા મુજબ આ નાણા સીરિયા મોકલાતાં હતા. નોર્થ વેસ્ટ લંડનના ૯૪ વર્ષીય વૃદ્ધે ૧૩૦,૦૦૦ પાઉન્ડ, ડોરસેટના પૂલેની ૭૬ વર્ષીય વૃદ્ધાએ ૧૩૫,૦૦૦ પાઉન્ડ તેમજ પેટ્રિસિયા બર્નહામે ૧૩૫,૦૦૦ પાઉન્ડ ગુમાવ્યા હતા. માઈકલ ગ્રાન્ટે ૧૧૩,૦૦૦ પાઉન્ડ ૧૧ બેન્કખાતામાં ચુકવ્યા હતા, જ્યારે એલિઝાબેથ કર્ટિસે ૧૩૦,૦૦૦ પાઉન્ડ છ અલગ બેન્કખાતામાં ચુકવ્યાં હતા. યુકેમાં કોર્નવોલ, ડેવન, ડોરસેટ, લંડન, કેન્ટ અને બેડફર્ડશાયર સહિતના વિસ્તારોમાં ૧૬ ટેલિફોન લાઈન્સના ઉપયોગથી ૩,૭૭૪ નંબર પર કુલ ૫,૬૯૫ કોલ્સ કરવામાં આવ્યા હતા.
દાહિરને જામીન માટે કોર્બીનની અપીલ
લંડનઃ વૃદ્ધ પેન્શનરો સાથે મોટા પાયે છેતરપીંડી કૌભાંડના આરોપી મોહમ્મદ દાહિરને મે મહિનામાં જામીન આપવા લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને કોર્ટને અપીલ કરી હતી. આ અંગે સુનાવણીમાં કોર્ટ સમક્ષ એવી રજૂઆત થઈ હતી કે સીરિયામાં આઈએસના જેહાદીઓને ભંડોળ આપવા આ કૌભાંડ રચાયું હતું. દાહિરની ગેંગ ‘બેન્ક ઓફ ટેરર’ દ્વારા આ નાણાનો ઉપયોગ યુકેના નાગરિકોને ઈસ્લામિક સ્ટેટ સાથે રહીને લડવા સીરિયા અને ઈરાક મોકલવાના ભંડોળ તરીકે કરાતો હતો.
કોર્બીને મેજિસ્ટ્રેટ્સને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ‘આ વિસ્તારમાં દાહિરના મૂળ છે અને તે ભાગી છૂટવાની શક્યતા નહિવત્ છે.’ આ પછી દાહિરને જામીન અપાયા હતા. દાહિરના સગાં મૂળ સોમાલિયાના છે. તેમણે દાવો કર્યો છે કે તેમના સ્થાનિક સાંસદ કોર્બીન પારિવારિક મિત્ર છે અને તેઓ તેમને ઘણા વર્ષોથી ઓળખે છે. દાહિરને જામીન યથાવત રાખવા કોર્ટમાં આ પત્ર ફરી રજૂ કરાયો હતો, પરંતુ જજે તેને કસ્ટડીમાં મોકલવા આદેશ કરી જણાવ્યું હતું કે ગુનો પુરવાર થયો છે અને તે શરણે આવે તેમ ન માનવાના ઘણા કારણ છે. દાહિરે પોલીસ ઓફિસરના વેશમાં ૧૮ વૃદ્ધો પાસેથી ૬૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ પડાવી હતી.


