લંડનઃ સ્લાઉ બરો કાઉન્સિલને એક હિન્દુ સંગઠન દ્વારા વેક્સહામ કોર્ટ પેરિસ હોલની ખરીદી માટે ઓફર અપાઇ છે. સંગઠને કાઉન્સિલને આ સંપત્તિ સીધી તેને જ વેચાણથી આપવા અપીલ કરી છે. સ્લાઉ કાઉન્સિલ વેક્સહામ કોર્ટ પેરિસ હોલ સહિતની ઘણી ઇમારતોનું વેચાણ કરવાની યોજના ધરાવે છે.
જીયાર એજ્યુકેશનલ ટ્રસ્ટ યુકેએ સ્લાઉ કાઉન્સિલને આ ઇમારત ખરીદવાની ઓફર આપી છે. ટ્રસ્ટ આ ઇમારતનો ઉપયોગ હિન્દુ સમુદાય માટે કરવા ઇચ્છે છે. તેનું માનવું છે કે તેનાથી સ્લાઉના સાંસ્કતિક તાણાવાણા વધુ મજબૂત થશે. સ્લાઉમાં હિન્દુઓની વસતીમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. સ્લાઉ સામાજિક એકતાની મજબૂત પરંપરાનું કેન્દ્ર બની રહ્યું છે.
ટ્રસ્ટે જણાવ્યું છે કે અમારું સંગઠન નોન પ્રોફિટ પ્રકારનું છે. તેથી કોઇપણ બિડિંગ પ્રોસેસ વિના અમે આ સંપત્તિનું વેચાણ અમને કરાય તેવી વિનંતી કરીએ છીએ.