લંડનઃ બ્રિટનમાં કોરોનાના કેસ ઓછાં થતાંની સાથે જ તોફાની સ્વભાવ ધરાવતા તત્વો લંડનના રસ્તા પર ઉતરી આવ્યા છે. લંડનમાં મોટી સંખ્યામાં લોકો વેક્સિન પાસપોર્ટ, લોકડાઉન અને અન્ય કોરોના પ્રતિબંધોનો વિરોધ કરી રહ્યા છે. અનેક દેશો કોરોના ફેલાતો અટકાવવા વેક્સિન પાસપોર્ટની સિસ્ટમ દાખલ કરી રહ્યા છે. બ્રિટનમાં તેની વિચારણા ચાલે છે. પણ પહેલાં જ બ્રિટિશરોએ લંડનમાં તોફાન મચાવતા તેને અટકાવવાનો પ્રયાસ કરનારા આઠ પોલીસ અધિકારી ઘાયલ થયા હતા.
વેક્સિન પાસપોર્ટ શું છે?
વેક્સિન પાસપોર્ટને પરદેશ પ્રવાસ વખતે વપરાતા પાસપોર્ટ સાથે લેવા-દેવા નથી, પરંતુ પાસપોર્ટનો અર્થ પરવાનો એવો થાય છે. કોઈ વ્યક્તિએ રસી લીધી છે અને તેનો તાજેતરનો ટેસ્ટ નેગેટિવ છે, એવી જાણકારી આપતો ડિજિટલ રેકોર્ડ એટલે વેક્સિન પાસપોર્ટ. લોકોએ જાહેર જગ્યાએ જવું હોય, રેસ્ટોરાં-બારની મુલાકાત લેવી હોય ત્યાં આ પાસપોર્ટ એટલે કે પરવાનો બહુ મહત્ત્વનો સાબિત થાય. પ્રવેશ માટે વ્યક્તિએ તેને આપવામાં આવેલો ક્યુઆર કોડ દર્શાવવાનો હોય છે, જેમાં તેની રસીકરણ, ટેસ્ટની વિગત હોય છે. બ્રિટિશરોને આ પાસપોર્ટ સિસ્ટમ મંજૂર નથી.
લોકો રસ્તા પર ઉતરી પડ્યા
આથી શનિવારે સાંજ પડ્યે સેંકડો નાગરિકો લંડનના રસ્તા પર ઉતરી આવ્યા હતા. હાથમાં ‘નો વેક્સિન પાસપોર્ટ’, ‘નો રિસ્ટ્રિક્શન’, ‘નો લોકડાઉન’ વગેરેના બોર્ડ હતા. લંડન પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરતાં તોફાનીઓએ તોડફોડ મચાવી હતી. એમાં આઠ પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા. બ્રિટિશ પ્રજાના આવા બેજવાબદાર વર્તનથી ત્યાંના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ ગુસ્સે થયા હતા.
લોકો સુધરશે નહીં તો ડબલ સજાઃ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ટ્વિટ કરી હતી કે જો લોકો સુધરશે નહીં તો તેમને થનારી સજા ડબલ કરી દેવાશે. લંડનના ઘણા સેલિબ્રિટીઓ પણ આ કથિત સ્વતંત્રતાની ઝુંબેશમાં જોડાયા હતા. પોલીસ ટોળાંને કાબુમાં લેવા સ્મોક ગ્રેનેડ સહિતની સામગ્રી વાપરવી પડી હતી. ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં જાન્યુઆરીમાં રોજના ૬૦ હજારથી પણ વધારે કેસ નોંધાતા હતા. એ હવે ઘટીને બે હજાર આસપાસ આવી ગયા છે. ઝડપી વેક્સિનેશનના કારણે આ શક્ય બન્યું છે.