લંડનઃ યુકેને મળનારા ફાઈઝર વેક્સિન ડોઝનો પુરવઠો અટકાવી દેવા ઈયુએ આપેલી ધમકી વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના ૩૦ મિનિટના અંતરે કરાયેલા બે ફોન કોલ્સથી પાછી ખેંચી લેવાઈ હતી. જ્હોન્સને યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડર લેયેનને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે નોર્ધન આયર્લેન્ડ પહોંચનારા વેક્સિન પુરવઠાને અટકાવી દેવાશે તો લાખો બ્રિટિશ પેન્શનર્સને વેક્સિનનો બીજો ડોઝ મળી શકશે નહિ પરિણામે, તેમના જાનનું જોખમ સર્જાશે. કમિશનના પ્રેસિડેન્ટે પારોઠના પગલાં ભરી વેક્સિનના પુરવઠાને અસર નહિ પહોંચે તેવી ખાતરી ઉચ્ચારી હતી.
વડા પ્રધાને કહ્યું હતું કે બેલ્જિયમસ્થિત ફાઈઝર ફેક્ટરીમાંથી કોરોના વેક્સિનના ૩.૫ મિલિયન ડોઝનો પુરવઠો બ્રિટન પહોંચતો નહિ થાય તો લાખો લોકોને બીજું ઈન્જેક્શન આપી શકાશે નહિ. એક વખત વેક્સિનનો ડોઝ અપાય તો વાઈરસ સામે થોડું રક્ષણ મળે છે પરંતુ, મહત્તમ અસર માટે બે ડોઝ લેવા આવશ્યક ગણાય છે. જહોન્સને મિસ વોન ડેર લેયેનને જણાવ્યું હતું કે ઈયુનો હાર્ડલાઈન પ્લાન વૃદ્ધ ગ્રાન્ડપેરન્ટ્સ સહિત નિરાધાર અને અશક્ત લોકોના મોતનું કારણ બની શકે છે.