વેક્સિનના બે ડોઝ લેનાર પ્રવાસીને ફરજિયાત ક્વોરેન્ટાઈનમાંથી મુક્તિ

Wednesday 14th July 2021 05:39 EDT
 

લંડનઃ એરલાઇન્સ સેક્ટરને વેગ આપવા માટે યુકેમાં સંપૂર્ણ વેક્સિનેશન કરાયેલા પ્રવાસીઓને ક્વોરન્ટાઇનમાંથી મુક્તિ આપવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સના જણાવ્યા અનુસાર વેક્સિનના બે ડોઝ મેળવી લેનારા બ્રિટિશ નાગરિકો ૧૯ જુલાઈથી ફ્રાન્સ અને યુએસ જેવાં ‘એમ્બર-યલો’ લિસ્ટના દેશોમાં પ્રવાસ કરી શકશે અને તેમને દેશમાં પરત આવ્યા પછી ક્વોરેન્ટાઈન થવું પડશે નહિ. ૧૮થી ઓછી વયના બાળકોએ પણ ક્વોરેન્ટાઈન થવું પડશે નહિ. બ્રિટનમાં આશરે ૬૫ ટકા પુખ્ત લોકો ફુલ્લી વેક્સિનેટેડ છે. જોકે, અન્ય દેશોના આગવા નિયમો હોય ત્યાં બ્રિટિશ પ્રવાસીને આવકાર ન મળે તે પણ શક્ય છે.

ટ્રાન્સપોર્ટ સેક્રેટરીએ જણાવ્યું હતું કે જે લોકોએ વેક્સિનના બન્ને ડોઝ લઇ લીધા હશે અને કહેવાતા એમ્બર કન્ટ્રીઝમાંથી પરત ફરતાં હશે તેમણે જુલાઇમાં આગળ ઉપર સેલ્ફ-આઈસોલેટ થવાની જરૂરિયાત રહેશે નહિ. ચાર વર્ષથી વધુ વયના પ્રવાસીએ યુકે પાછા આવ્યાના બે દિવસ પછી કોવિડ ટેસ્ટ કરાવવાનો રહેશે. વર્તમાન નિયમો મુજબ સ્પેન, ફ્રાન્સ, યુએસએ અને ઇટાલી સહિતના દેશોમાંથી યુકે પરત ફરતા પ્રવાસીએ ૧૦ દિવસ માટે ક્વોરન્ટાઇન રહેવું પડે છે.

બ્રિટિશ કાયદાને સંબંધ છે ત્યાં સુધી આ નવા નિયમના કારણે બ્રિટિશ પરિવાર બેલ્જિયમ, કેનેડા, ચીન, ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની, જાપાન, મોનાકો અથવા યુએસમાં રજાઓ માણવા જઈ શકશે અને ત્યાંથી પરત ફર્યા પછી ૧૦ દિવસ માટે ક્વોરેન્ટાઈન થવાની જરુર રહેશે નહિ. સરકારે આવશ્યક ન હોય ત્યાં સુધી એમ્બર લિસ્ટના દેશોનો પ્રવાસ નહિ કરવાની સલાહ પાછી ખેંચી લીધી છે. જોકે, રેડ લિસ્ટના દેશોનો પ્રવાસ ટાળવા જણાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter