લંડનઃ જે લોકો વેક્સિનના બે ડોઝ લીધા પછી પણ કોવિડથી સંક્રમિત થાય તે તેઓ પણ પરિવારમાં કોવિડના ચેપને આગળ વધારી શકે છે તેમ ઈમ્પિરિયલ કોલેજ લંડન અને યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (HSA) સહિતની સંસ્થાઓનું સંશોધન જણાવે છે. આ સ્થિતિમાં તેઓ વેક્સિન લીધા વિનાના સંક્રમિત લોકો જેવું જ કામ કરે છે.
પરિવાર કોવિડ સંક્રમણ માટે ચાવીરુપ સ્થળ છે કારણકે પરિવારના સભ્યો એકબીજા સાથે ગાઢ સંપર્કમાં રહેતા હોય છે. ચેપગ્રસ્ત સભ્ય અન્યોને વાઈરસના ચેપ લગાવવાનું જોખમ ધરાવે છે. જોકે, પરિવારના કેટલા સભ્યને ચેપ લાગ્યો છે, તેમના ચેપનો સમયગાળો, વાઈરસને ફેલાવવા સામે વેક્સિનેશનની અસર તેમજ ચેપ લાગવાની કેટલી શક્યતા હોય તે સહિતના પ્રશ્નો તો રહે જ છે.
અભ્યાસ સ્પષ્ટ કરે છે કે સંપૂર્ણ વેક્સિનેટેડ વ્યક્તિને વાઈરસનો ચેપ લાગે અને તેને તે આગળ વધારે છતાં, કોવિડ વિરુદ્ધ વેક્સિનેશન તીવ્ર રોગ અને તેનાથી મોતને અટકાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઈમ્પિરિયલ કોલેજ લંડન અને યુકે HSA સહિતની સંસ્થાઓએ ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત ૧૩૮ વ્યક્તિના પરિવારના ૨૦૪ સભ્યોના સંપર્કના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. ઘરના સભ્યને ચેપના લક્ષણો જણાયાના પાંચ દિવસમાં અન્ય સભ્યોના ૧૪ દિવસ સુધી દૈનિક પરીક્ષણો કરાયા હતા. આ સભ્યોમાંથી ૫૩ લોકોને વાઈરસનો ચેપ લાગ્યો હતો તેમાંથી ૩૧ વ્યક્તિ સંપૂર્ણ વેક્સિનેટેડ હતી અને ૧૫ વ્યક્તિએ વેક્સિન લીધું ન હતું.
અભ્યાસે વધુ જણાવ્યું છે કે સંપૂર્ણ વેક્સિનેટેડ સભ્યોને પરિવારના સંક્રમિત સભ્ય દ્વારા ચેપ લાગવાની ૨૫ ટકા જ્યારે વેક્સિન નહિ લીધેલા સભ્યોને ચેપ લાગવાની ૩૮ ટકા શક્યતા રહે છે.