લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને દેશમાં ઓમિક્રોન વેરિએન્ટનું ભારે આક્રમણ થાય તે અગાઉ જ મોટા પાયે વેક્સિનેશનની તૈયારીઓ આદરી હતી. તેમણે પત્રકાર પરિષદમાં વેક્સિનેશનના જોરદાર ઉછાળામાં આર્મીની મદદ લેવાની જાહેરાત કરવા ઉપરાંત, ભારે વર્કલોડની ફરિયાદ કરી રહેલા જનરલ પ્રેક્ટિશનર્સને તેઓ એક વેક્સિન ડોઝ આપે તે બદલ વધારાના ૨.૫૦ પાઉન્ડ આપવાની ઓફર કરી હતી. બીજી તરફ, JCVIએ નવા ઓમિક્રોન વેરિએન્ટ- B.1.1.529 સામે રક્ષણ મેળવવા યુકેમાં ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકોને ત્રીજા કોવિડ ડોઝ આપવાની જાહેરાત પણ કરી છે.
ઓમિક્રોન વધુ ખતરનાક હોવાના અહેવાલોના પગલે હજારો લોકોએ વેક્સિન મેળવવાના બૂકિંગ માટે ધસારો કર્યો છે. એક તરફ ૪૦ વર્ષથી વધુ વયના લોકો પોતાનો ડોઝ મેળવવા ધમપછાડા કરી રહ્યા છે ત્યારે મિનિસ્ટર્સે એક દિવસમાં ૫૦૦,૦૦૦ લોકોને કોવિડ ડોઝ આપવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. નંબર ૧૦ના પ્રવક્તાએ જણાવ્યું છે કે બ્રિટિશરો સંપૂર્ણ વેક્સિનેટેડ થાય તે માટે બૂસ્ટર ડોઝ આપવો જરૂરી બનશે. જો વેક્સિન પાસપોર્ટ દાખલ કરાશે તો તમામ વયસ્કોએ પબ્સ અને રેસ્ટોરાંની મુલાકાત લેવા ત્રીજો ડોઝ લેવાની ફરજ પડશે.
વડા પ્રધાને નોર્થ લંડનના ટોટેનહામમાં વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે ‘સરકાર વેક્સિનેશન અભિયાનને સફળ બનાવવા તમામ કરી છૂટશે. આપણે ડેલ્ટા વેરિએન્ટનો સફળ સામનો કર્યો અને હવે ઓમિક્રોન વેરિએન્ટ આવ્યું છે. વેરિએન્ટ શું કરશે તેની શંકા છે પરંતુ, વેક્સિન બૂસ્ટર સલામતી આપશે તે આપણે જાણીએ છીએ.’
સંભવિત ૨૫ મિલિયન લાયક વયસ્કોમાંથી ૧૮ મિલિયન લોકોએ બૂસ્ટર ડોઝ મેળવ્યો છે પરંતુ, નવી ભલામણથી કુલ ૫૩ મિલિયન બ્રિટિશરો બૂસ્ટર ડોઝ લેવાને લાયક બનશે. એપ્રિલ પછી નવા ૫૦૦ વેક્સિનેશન સ્થળ ખૂલવા છતાં માર્ચમાં વેક્સિન લેવાનો દૈનિક દર ૮૦૦,૦૦૦ હતો તે સરેરાશ ઘટીને ૩૪૨,૦૦૦ થયો છે. હાલના દરે વેક્સિન અપાશે તો તમામ લોકોને વેક્સિન આપવામાં સાડા ત્રણ મહિના લાગી શકે છે.
ફેમિલી ડોક્ટર્સને વેક્સિનેશન ઝુંબેશમાં સાંકળવા તેમને પ્રતિ વેક્સિન ડોઝ આપવા વધુ ૨.૫૦ પાઉન્ડ આપવાની જાહેરાત થઈ છે. હેલ્થ સર્વિસ જર્નલના રિપોર્ટ મુજબ પહેલી ડિસેમ્બરથી સોમવારથી શનિવારના ગાળામાં અપાતા દરેક વેક્સિન ડોઝ માટે ડોક્ટર્સને ૧૨.૫૮ પાઉન્ડના બદલે ૧૫ પાઉન્ડ અપાશે. રવિવાર અને બેન્ક હોલિડેના દિવસે આ રકમ ૨૦ પાઉન્ડ રહેશે. આ યોજના જાન્યુઆરીના અંત સુધી રહેશે. કેર હોમ્સ અને હાઉસીસમાં અપાનારા વેક્સિન માટે પણ ચૂકવણી વધારાશે.

