લંડનઃ વેગન ડાયટ પર ઉછેરાતા બાળકો તેમના શાકાહારી અને માંસાહારી સમકક્ષો કરતાં ઠીંગણા અને દુબળા રહે છે. જોકે તેમના હૃદય ઘણા તંદુરસ્ત હોય છે તેમ એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે બાળકો માટે વેગન ડાયટ તંદુરસ્ત અને પોષક હોય છે પરંતુ વાલીઓએ મહત્વના વિટામીન અને મિનરલ્સ ઉપલબ્ધ કરાવતા સપ્લિમેન્ટ્સ તેમને આપવામાં કાળજી લેવી પડે છે કારણ કે તેઓ માંસ, માછલી કે ડેરી પ્રોડક્ટ્સ ખાતા નથી.
રિસર્ચરે જણાવ્યું હતું કે, વેગન ડાયટ લેતાં બાળકોમાં પુરતું વિટામિન બી12 હોતું નથી. તેમનામાં આયોડિન, ઝિંક અને કેલ્શિયમની પણ અછત જોવા મળે છે. જો બાળકોને યોગ્ય રીતે વેગન અને શાકાહારી ભોજન આપવામાં આવે તો તેઓ તેમની પોષક તત્વોની જરૂરીયાત પૂરી કરી શકે છે અને તેમનો તંદુરસ્ત ઉછેર થાય છે.
સરેરાશ જોવા જઇએ તો માંસાહારી બાળકો કરતાં શાકાહારી બાળકો 1.19 સે.મી. ઠીંગણા રહે છે જ્યારે શાકાહારી બાળકોની સરખામણીમાં વેગન ડાયટ લેતા બાળકોની ઊંચાઇ 3.64 સે.મી. ઓછી રહે છે.


