વેગન લેબલ ધરાવતા 33 ટકા ઉત્પાદનમાં એનિમલ પ્રોડક્ટ્સનો ઉપયોગ

મોટાભાગના વેગન ઉત્પાદનોમાં ઇંડા અથવા દૂધના તત્વો મળી આવ્યાં

Tuesday 11th July 2023 12:39 EDT
 
 

લંડનઃ શું તમે શુદ્ધ શાકાહારી છો.. શું તમે માર્કેટમાં વેગનનું લેબલ ધરાવતી વસ્તુઓ ખરીદીને આરોગો છો... તો તમારા માટે એક ચેતવણી સમાન અભ્યાસ સામે આવ્યો છે. એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે યુકેમાં વેચાતી વેગન લેબલ ધરાવતી વસ્તુઓ પૈકીની 33 ટકા વસ્તુઓમાં એનિમલ પ્રોડક્ટ્સનો ઉપયોગ થાય છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે તેના કારણે ગંભીર એલર્જીથી પીડાતા લોકોને ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે.

ફોરેન્સિક વૈજ્ઞાનિકોએ એવી સંખ્યાબંધ વસ્તુઓમાં ઇંડા અથવા તો દૂધના તત્વો શોધી કાઢ્યાં છે જે વેગન અથવા તો પ્લાન્ટ બેઝ્ડ પ્રોડક્ટના નામે વેચાય છે. આ પ્રકારના અનૈતિક ફૂડ બિઝનેસ સામે ગ્રાહકોને કાયદાકીય સુરક્ષા આપવાની માગ હવે ઉઠી રહી છે.

હેમ્પશાયર અને કેન્ટ સાયન્ટિફિક સર્વિસના ઇન્સ્પેક્ટરોએ વેગન લેબલ સાથે વેચાતાં 61માંથી 24 ઉત્પાદનો એટલે કે 39 ટકામાં ઇંડા અથવા ડેરી ઉત્પાદનોના તત્વો શોધી કાઢ્યાં હતાં. તેમાં 13માં ડેરી તત્વો અને 48માં માંસના તત્વો સામેલ હતાં. કુલ 90 ટકા ઉત્પાદનો અસંતોષકારક જણાયા હતા.

ચાર્ટર્ડ ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યુટના ચીફ એક્ઝિક્યુટિવ જ્હોન હેરીમેને જણાવ્યું હતું કે, કાયદાકીય વ્યાખ્યાના અભાવે અનૈતિક ફૂડ બિઝનેસો દ્વારા તેમના દ્વારા ઉત્પાદિત ખાદ્યપદાર્થોને પ્રાણીજન્ય તત્વો હોવા છતાં શાકાહારીનું લેબલ મારી દેવામાં આવે છે.

યુકેમાં 1.5 ટકા વસતી શાકાહારી છે અને દર છમાંથી એક વ્યક્તિ દૂધ અથવા અન્ય પ્રાણીજન્ય ઉત્પાદનોથી થતી એલર્જીથી પીડાય છે. દૂધની એલર્જી ધરાવતા 85 ટકા લોકો માને છે કે તેમના માટે વેગન ફૂડ સુરક્ષિત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter