લંડનઃ શાકાહારી હિન્દુ તરુણને મેકડોનાલ્ડ્સ સ્ટોરમાં વેજ બર્ગરના સ્થાને ચીકનનું માંસ ધરાવતું બર્ગર પીરસાતા વિવાદ સર્જાયો છે. કિંગ્સ હીથના આ ૧૫ વર્ષીય હિન્દુ કિશોરે ધર્મના કારણે હજુ સુધી માંસ ચાખ્યું નથી ત્યારે ૩૧ ઓગસ્ટની આ ઘટનામાં નોન-વેજ બર્ગર ખાતા તે બીમાર થયો હતો.
હિન્દુ કિશોર અને તેના પિતા કેતન નાયક નિયમિતપણે યાર્ડલે વૂડ રેસ્ટોરાંમાં મેકડોનાલ્ડ્સના ખાદ્યપદાર્થો ખાતા આવ્યા છે પરંતુ, આવી ભૂલથી તેઓ સ્તબ્ધ થઈ ગયા છે. ટેક અવે પેક સંબંધે મેકડોનાલ્ડ્સમાં ફરિયાદના પગલે તેમને સંપૂર્ણ રિફન્ડની ઓફર કરવામાં આવી હતી. જોકે, નાયક પરિવાર આવી ભૂલનું પુનરાવર્તન ન થાય તે માટે સ્મોલ ક્લેઈમ્સ કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરવા વિચારે છે.
કેતન નાયકે જણાવ્યું હતું કે ‘મારા પુત્રને ઝેર પીવડાવી દેવાયું હોય તેવી લાગણી મને થઈ છે. અમારા ધર્મમાં માંસ ખાવું અધાર્મિક છે. તેણે કદી માંસ ખાધુ નથી ત્યારે બર્ગરનો પહેલો કોળિયો ખાતા જ તેને ઉલટી થઈ હતી અને ઘણા દિવસ સુધી તેને અસર રહી હતી.’
કેતન નાયકે મેકડોનાલ્ડ્સની હેડ ઓફિસે ફરિયાદ કરી તેઓ આગળ શું કાર્યવાહી કરવા માગે છે તે પૂછ્યું હતું. મેકડોનાલ્ડ્સના પ્રવક્તાએ આ ઘટનામાં ભૂલ સ્વીકારી માફી માગી હતી અને ગ્રાહકોને યોગ્ય પ્રોડક્ટ જ પહોંચે તે માટે પગલાં લેવાતાં હોવાનું જણાવ્યું હતું.

