વેતનની સરખામણીએ નર્સરી ફીમાં ત્રણ ગણો વધારો ચિંતાનો વિષય

Wednesday 05th September 2018 02:46 EDT
 
 

લંડનઃ ઈંગ્લેન્ડમાં બે વર્ષથી નીચેના બાળક માટે સરેરાશ નર્સરી ફી એક સપ્તાહના ૨૩૬ પાઉન્ડ છે. ગત દસકામાં વેસ્ટ મિડલેન્ડ્સ, સાઉથ ઈસ્ટ અને નોર્થ ઈસ્ટમાં નર્સરી ફીમાં અસહ્ય વધારો પૂર્ણકાલીન કે પાર્ટ-ટાઈમ કામ કરતા પેરન્ટના પરિવારો માટે વેતનની સરખામણીએ ઘણો વધુ છે.

ટ્રેડ્સ યુનિયન કોંગ્રેસના અભ્યાસના દાવા અનુસાર ૨૦૦૮ પછી ચાઈલ્ડકેર ખર્ચામાં ૫૨ ટકાનો વધારો થયો છે. આજ સમયગાળામાં પેરન્ટ્સના વેતનમાં ૧૭ ટકા વધારો થયો હતો. એકલ પેરન્ટ્સ માટે સ્થિતિ વધુ ખરાબ હતી કારણકે ફુલ ટાઈમ કામ કરતી એકલ માતા કે પિતા માટે ચાઈલ્ડકેર ખર્ચ આવક કરતા સાત ગણો વધ્યો હતો.

ઈંગ્લેન્ડમાં બે વર્ષથી નીચેના બાળક માટે સરેરાશ નર્સરી ફી એક સપ્તાહના ૨૩૬ પાઉન્ડ છે, જે ૨૦૦૮માં ૧૫૯ પાઉન્ડ હતી. બે વર્ષથી વધુ વયના બાળક માટે ફી સપ્તાહના ૨૩૨ પાઉન્ડ છે, જે ૧૦ વર્ષ અગાઉ ૧૪૯ પાઉન્ડ હતી.

ટ્રેડ્સ યુનિયન કોંગ્રેસના જનરલ સેક્રેટરી ફ્રાન્સેસ ઓ’ગ્રેડીએ જણાવ્યું હતું કે વર્કિંગ પેરન્ટ્સના વેતન સ્થિર રહ્યા હતા જ્યારે ચાઈલ્ડકેર ફીસ સાતમા આસમાને પહોંચી હતી. સરકારનો સપોર્ટ હોવાં છતાં, પરિવારો આંખે પાણી લાવી દેતાં નર્સરી બિલ્સનો સામનો કરે છે. બ્રિટનમાં જીવનખર્ચની કટોકટી કામ કરતા માતા અને પિતા પર ભારે અસર છોડી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter