લંડનઃ તાજેતરમાં પબ્લિક સેક્ટર માટે જાહેર કરાયેલા વેતનવધારામાં બાકાત રખાયેલ નર્સીસ સહિતના હેલ્થ વર્કર્સે શનિવાર ૮ ઓગસ્ટે લંડન, ગ્લાસગો, બેસિલડોન, માન્ચેસ્ટર, લિવરપૂલ, ઈપ્સવિચ સહિત દેશના શહેરોમાં દેખાવો કરવા સાથે વેતનવધારો આપવા સરકારને અનુરોધ કર્યો હતો. સરકારે લોકડાઉન ગાળામાં કામ કરનારા ડોક્ટર્સ અને ટીચર્સ સહિતના વર્કર્સ માટે બે ટકાથી ૩.૧ ટકા સુધીનો વેતનવધારો જાહેર કર્યો હતો પરંતુ, ૨૦૧૮માં કરાયેલી વેતન સમજૂતીના આધારે નર્સીસનો તેમાં સમાવેશ કરાયો ન હતો.
કોવિડ મહામારીમાં સતત કાર્યરત ફ્રન્ટલાઈન નર્સીસ સહિતના હેલ્થ વર્કર્સને તાજેતરના વેતનવધારામાં સામેલ નહિ કરાવાથી રોષ ફાટી નીકળ્યો છે અને સેંકડો હેલ્થ વર્કર્સ તેના વિરોધમાં લંડનની શેરીઓમાં ઉતરી આવ્યા હતા. કોરોના મહામારીમાં ફરજ દરમિયાન ૫૦૦થી વધુ NHS અને સોશિયલ કેર સ્ટાફના કોવિડ-૧૯થી મોત થયાં છે. હેલ્થ સર્વિસમાં ૧૦૦,૦૦૦ સભ્યો ધરાવતા યુનિયન Unite દ્વારા દેખાવોને સમર્થન અપાયું હતું.
માસ્ક પહેરેલા સેંકડો દેખાવકારો વ્હાઈટહોલથી ડાઉનિંગ સ્ટ્રીટ તરફ કૂચ કરી ગયા હતા. તેમના હાથમાં બ્લુ રંગના વિવિધ પ્લેકાર્ડ્સ-બેનર્સ હતા જેમાં ‘End NHS pay inequality, together we win’, ‘'Boris remember my neighbour Lewis, what about his pay rise? 'He saved your life now reward us.’ વગેરેનો સમાવેશ થતો હતો. સેન્ટ જેમ્સ પાર્કથી શરુ કરાયેલી તેમની રેલી પાર્લામેન્ટ સ્ટ્રીટ ખાતે સમાપ્ત થઈ હતી.
યુનાઈટે જણાવ્યું હતું કે તે પોતાના સભ્યો માટે ગણનાપાત્ર વેતનવધારાની અને સરકાર એપ્રિલ ૨૦૨૧થી થનારો પગારવધારો વહેલો કરે તેવી માગણી કરે છે. યુનિયને જણાવ્યું હતું કે કરકસરના દાયકામાં NHS સ્ટાફના પગારમાં વાસ્તવિક ૨૦ ટકાનો ઘટાડો થયો હતો. તાળીઓના ગડગડાટ કે મિનિસ્ટર્સના સાંત્વનાપૂર્ણ શબ્દો તેમની આવકમાં ઘટને પૂરી શકે નથી. પગારના નબળાં ધોરણોથી NHSમાં અંદાજે ૧૦૦,૦૦૦ વેકેન્સી પડી છે.
ચાન્સેલર રિશિ સુનાકે જુલાઈમાં સીનિયર ડોક્ટર્સ, ટીચર્સ અને પોલીસ ઓફિસર્સ સહિત પબ્લિક સેક્ટરના ૯૦૦,૦૦૦ કર્મચારી માટે ૩.૧ ટકાના પગારવધારાની જાહેરાત કરી હતી. નર્સીસ સાથે ૨૦૧૮માં ત્રણ વર્ષનો તેમજ જુનિયર ડોક્ટર્સ સાથે ગયા વર્ષે ચાર વર્ષનો અલગ કોન્ટ્રાક્ટ કરાયો હોવાથી નવા વેતનવધારામાં તેમને સામેલ કરાયા ન હતા.
જુલાઈમાં કોને કેટલો પગારવધારો મળ્યો?
ડિપાર્ટમેન્ટ વેતનવૃદ્ધિ (ટકા)
સ્કૂલ ટીચર્સ ૩.૧
ટોક્ટર્સ-ડેન્ટિસ્ટ્સ ૨.૮
પોલીસ ઓફિસર્સ ૨.૫
નેશનલ ક્રાઈમ એજન્સી ૨.૫
પ્રિઝન ઓફિસર્સ ૨.૫
લશ્કરી દળો ૨.૦
જ્યુડિશિયરી ૨.૦
સીનિ. સિવિલ સર્વન્ટ્સ ૨.૦
સીનિયર મિલિટરી ૨.૦